જામનગર હાઇવે પર બાઇક રેસનો સ્ટંટ કરનાર સાત સામે ફરીયાદ

  • May 21, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક બાઇકના અકસ્માતમાં ટ્રકચાલક દ્વારા ગુનો નોંધાવ્યો : પોલીસ દ્વારા તપાસ

જામનગર નજીક દેવકૃપા હોટલ પાસેના હાઇવે પર તાજેતરમાં બાઇક પર સુતા સુતા રેસ લગાવી સ્ટંટ કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બાઇકચાલક ટ્રકમાં અથડાતા તેને ગંભીર ઇજા પહોચી હતી દરમ્યાન આ મામલે બે જુદી જુદી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેમા સ્ટંટ કરનાર સાત ઇસમો વિરુઘ્ધ તેમજ ટ્રકમાં બાઇક અથડાવી પોતાને ગંભીર ઇજા કરનાર બાઇકચાલક સામે પણ ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગત તા. ૧૮-૫-૨૫ના જામનગર નજીક દેવકૃપા હોટલ પાસેના હાઇવે પર મોટરસાયકલમાં સવાર યુવાનો સ્ટંટ કરે છે એવો વિડીયો વાયરલ થયો હતો જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, દરમ્યાન પંચ-એના એએસઆઇ નિર્મળસિંહ જાડેજા દ્વારા પંચેશ્ર્વર ટાવર પાસે રહેતા ચેતન રાજેશ પાડલીયા, ન્યુ આવાસ ધરારનગર-૨માં રહેતા યાસીન કરીમ બાબવાણી, તથા ફરારી બેડીના ફરીદ અબ્બાસ ભડાલા, ખોડીયાર કોલોનીના સુમીત સામજી સરવૈયા, ઇન્દીરા સોસાયટીના મયુર રામ મકવાણા, ખડખડનગરના જયેશ ઉર્ફે જયલો અશોક ગુજરાતી અને પંચેશ્ર્વર ટાવરે રહેતા ચિરાગ રાજેશ પાડલીયાની વિરુઘ્ધ બીએનએસ કલમ ૨૮૧ તથા એમવી એકટ ૧૮૩, ૧૮૪, ૧૮૯ મુજબ ફરીયાદ નોંધાવી છે. 

જે મુજબ આરોપી ચેતન સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦ડીપી-૫૨૫૮, યાસીનનું યામાહા બાઇક નં. જીજે૧૦ડીકયુ-૮૨૭૮, તેમજ અન્ય ફરારી આરોપીઓએ પોતાના મોટરસાયકલ પુરઝડપે બેફીકરાઇથી ગફલતભરી રીતે પોતાની તથા રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે પોતાની બાઇક પર સુતા સુચા રેસ લગાવી સ્ટંટ કરતા હતા.

આ ઉપરાંત હાલ જોગવડ મુળ સિહોરના ટાણા ગામના વતની મનુ હાકુભાઇ ગોહિલ (ઉ.વ.૫૨)એ પંચ-એમાં મોટરસાયકલ નં. જીજે૧૦ઇએ-૭૫૫૦ની વિરુઘ્ધ ગઇકાલે ફરીયાદ કરી હતી. જેમા જણાવ્યુ હતું કે ફરીયાદી ગત તા. ૧૭-૫-૨૫ના રોજ અંકલેશ્ર્વર ભ‚ચથી જામનગર લાલપુર ચોકડી ખાતે ટ્રક નં. જીજે૧૦ઝેડ-૫૭૪૦માં માલ ભરીને આવવા નીકળ્યા હતા. 

દરમ્યાન તા. ૧૮ના ખીજડીયા બાયપાસ પહેલા દેવકૃપા હોટલ પાસેના હાઇવે પર પહોચતા ફરીયાદીની પાછળથી એકથી વધારે મોટરસાયકલ ચાલકો રેસ લગાડીને આવતા હતા એ વખતે ઉપરોકત નંબરના મોટરસાયકલના ચાલકે પુરઝડપે બેફીકરાઇથી ચલાવીને ફરીયાદીના ટ્રકના ઠાઠાના ભાગે જોરથી બાઇક અથડાવી મોટરસાયકલ ચાલક નીચે રોડ પર પડી જતા તેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. આ બંને ફરીયાદના આધારે પંચ-એ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application