બન્ની ગજેરાએ કહ્યું- આ બધું બંધ કરવું હોય તો 11 લાખ આપો નહીંતર હું આવા વીડિયો બનાવી વાયરલ કરવાનું ચાલુ રાખીશ, મારો તો આ જ ધંધો છે

  • May 16, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જેતપુરના ગુંદાળા ગામે રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા, જેતપુર તાલુકા અને સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જેતપુર ચરખડીમાં રહેતા અને પાટીદાર સમાજના કાર્યકર્તાએ નોંધાવેલી ફરિયાદમાં એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ભાવિન ઉર્ફે બન્ની ગજેરાને સમાજના આગેવાનોની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવા વિડિયો ન મુકવાનું કહેતા તેણે કહ્યું હતું કે, આ બધું બંધ કરવું હોય તો 11 લાખ આપો નહીંતર હું આવા વિડીયો બનાવી વાયરલ કરવાનું ચાલુ રાખીશ. મારે સમાજ સાથે કોઈ લેવાદેવા નથી મારો તો આ જ ધંધો છે.


બન્ની ગજેરા સામે ફરિયાદ નોંધાઈ

ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અતુલકુમાર વિનોદરાય માવાણી (ઉ.વ 39) દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરા (રહે. મોટા ગુંદાળા તા. જેતપુર) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 23/3/2025 ના ગોંડલ ખાતે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં બંને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જે પ્રેસ કોન્ફરન્સ બાદ બન્ની ગજેરાએ  ફેસબુકમાં સમાજના આગેવાનોને બદનામ કરવાના ઇરાદે અભદ્ર ટીપણીઓ કરી વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. તારીખ 24/3 ના રોજ ફરિયાદી તથા તેના મિત્ર ધંધાકીય કામ માટે જતા હતા. 


મારે સમાજ સાથે કોઈ લેવાદેવા નથી

ત્યારે મોટા ગુંદાળા ગામે બ્રિજ પાસે પહોંચતા અહીં ભાવિન ઉર્ફે બન્ની ઉભો હોય જેથી ગાડી ઊભી રાખી ફરિયાદી તથા તેના મિત્રોએ બન્ની પાસે જઈ કહ્યું હતું કે, તું આ અલ્પેશભાઈ ઢોલરીયા વિશે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યો છે તે સારૂ નથી લાગતું. અલ્પેશભાઈ આપણા સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે તું સોશિયલ મીડિયામાં તેના વિડીયો ન મુક તેવું સમજાવતા બન્નીએ કહ્યું હતું કે, આ બધું બંધ કરવું હોય તો રૂપિયા 11 લાખ આપો તો હું આ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવાનું બંધ કરી દઉં નહીંતર તો હું આવા વિડિયો બનાવી વાયરલ કરવાનું ચાલુ રાખીશ. મારે સમાજ સાથે કોઈ લેવાદેવા નથી. 


આ બાબતે મારી પાસે આવશો તો મજા નહીં આવે 

મારે રૂપિયા જોઈએ જો હોય તો બોલો નહીંતર મારે કોઈ વાત કરવી નથી. જેથી ફરિયાદીએ તેને સમજાવ્યું હતું કે સમાજની બદનામી કરો છો અને રૂપિયા પણ માંગો છો. સારૂ નથી લાગતું. જેથી બન્ની બોલવા લાગ્યો હતો. આ બાબતે પૈસા સિવાય વધુ કોઈ વાત કરવી નથી. મારે તો આ જ ધંધો છે અને હવે આનાથી ખરાબ ભાષામાં વિડીયો બનાવવાનું ચાલુ રહેશે તેમ કહી હવે તમે અહીંયાથી જતા રહો અને બીજી વખત આ બાબતે મારી પાસે આવશો તો મજા નહીં આવે અને જો મને ક્યાંય નડયા તો તમને ખોઈ નાખવા પડશે તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે અતુલભાઇ માવાણીએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરા વિરુધ ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદીના મિત્રની પત્નીના ચારિત્ર વિશે આક્ષેપો કર્યા

આ ઉપરાંત ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોંડલના દેવચડી ગામે રહેતા વિશાલભાઈ ભીખાભાઈ ખુંટ દ્વારા ભાવિન ઉર્ફ બન્ની ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે તે પટેલ સમાજના કાર્યકર્તા રહે છે તેમજ ગોંડલ તાલુકા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. ગત તારીખ 18/4 ના દેવચડી ગામે તેમને તેમના ભાઈએ સોશિયલ મીડિયામાં બન્ની ગજેરાનો વિડીયો બતાવ્યો હતો જેમાં તે અલ્પેશભાઈ તથા અશ્વિનભાઈ વિશે ખરાબ ભાષામાં બોલતો હોય જેમાં ફરિયાદીના મિત્રની પત્નીના ચારિત્ર વિશે આક્ષેપો કરી સમાજમાં બદનામ કરતા તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.


અનૈતિક સંબંધ હોવા અંગેના વિડીયો વાયરલ કરી બદનામ કર્યા

જ્યારે ગોંડલ તાલુકાના ધુળશીયા ગામે રહેતા અશ્વિન છગનભાઈ ઠુંમર (ઉ.વ 44) દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ તાલુકા ભાજપ પક્ષમાં પ્રમુખ તરીકે સેવા આપે છે અને ધૂળશીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. બન્ની ગજેરાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી તેમના તથા તેમના મિત્રની પત્નીના ચારિત્ર પર આળ મૂકી તેમને તેની સાથે અનૈતિક સંબંધ હોવા અંગેના વિડીયો વાયરલ કરી બદનામ કર્યા હોય જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application