જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે શાકભાજી ઉધારમાં લીધા બાદ પૈસાની લેતી-દેતીના મામલે બબાલ થઇ હતી જેમાં હુમલો કર્યાની વળતી ફરીયાદ ચાર શખ્સો વિરુઘ્ધ નોંધાવવામાં આવી છે. ઉપરાંત શાક માર્કેટ પાસે રાત્રીના મેમણ વેપારી યુવાનને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધાની એક શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.
જામનગરના મોદીવાડ ટીંબાફળીમાં રહેતા વેપાર કરતા રીયાઝ કાદરભાઇ ગજાઇ-મેમણ (ઉ.વ.૪૮) પાસેથી ઉધારમાં આરોપી તોફીક શાકભાજી લઇ ગયો હોય જેના પૈસા આપવાના હોય જેથી આ બાબતે ઉઘરાણી કરતા આરોપીએ પૈસા આપી દીધા છે, તેમ કહી અપશબ્દો બોલી ફરીયાદી તથા તેના ભાઇ મુસ્તાકને ગત તા. ૧૧ના શાક માર્કેટ પાસે ઢીકાપાટુ અને ડીસમીસ વડે માર મારી ઇજા પહોચાડી હતી અને આરોપીએ મારી નાખવાની ધમકી દીધી હતી.
આરોપી બાબુ અને મુસ્તુફા બંને આરોપી તોફીકના સબંધી થતા હોય અને આ બાબતનો ખાર રાખી બીજા દિવસે ફરીયાદી રીયાઝભાઇ માર્કેટીંગ યાર્ડમાં મળતા બંનેએ પાઇપ અને ઢીકાપાટુ વડે ફરીયાદીને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
દરમ્યાન રીયાઝભાઇ ગજાઇ દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં સેટેલાઇટ સોસાયટીમાં રહેતા તોફીક મોહમદ રાજકોટીયા, એજાજ મોહમદ રાજકોટીયા તથા ઓસમાણ ઉર્ફે બાબુ મામદ રાજકોટીયા અને મુસ્તુફા ઉર્ફે ટકો સીદીક બોકસવાળા આ ચારેયની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય એક ફરીયાદમાં જામનગરના નેશનલ પાર્કમાં રહેતા વેપાર કરતા ઝમીર શબીરભાઇ ફુલવાળા (ઉ.વ.૨૪)એ રાત્રીના સીટી-એ ડીવીઝનમાં જામનગરના મુસ્તુફા યુસુફ ગજાઇ નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના મિત્રને આરોપીના સબંધી સાથે ઝઘડો થયો હોય અને ફરીયાદી તેના મિત્ર સાથે ફરતા હોય જે બાબતનો ખાર રાખી રાત્રીના શાક માર્કેટ મેડીકલ પાસે ફરીયાદીને અપશબ્દો કહી ઝાપટ, ઠોસા અને ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધી હતી.