પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ નંદીગ્રામ વિધાનસભા સીટ પર રાજકીય સંગ્રામ ચરમસીમાએ પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની અચાનક ધરપકડ કરવામાં આવતા સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર, મિલન પ્રધાનની આ અટકાયત એક જૂના હત્યાના કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. આ ઘટનાક્રમે નંદીગ્રામની પેટાચૂંટણી પહેલા સમગ્ર વિસ્તારમાં ભારે રાજકીય ઉત્તેજના અને તણાવનો માહોલ સર્જ્યો છે.
આ અગાઉ નંદીગ્રામ બેઠક પર એક મોટો ફેરબદલ જોવા મળ્યો હતો, જ્યારે મમતા બેનર્જી જૂથના ઉમેદવાર સંચિતા પ્રધાને શુક્રવારે ચૂંટણી લડવાનો ઇનકાર કરીને પોતાનું નામાંકન પત્ર પાછું ખેંચી લીધું હતું. સંચિતા પ્રધાને મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કર્યા બાદ આ આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. આ ઘટના બાદ મમતા બેનર્જીએ નંદીગ્રામ પેટાચૂંટણીમાં પોતાનો કોઈ નવો ઉમેદવાર ન ઉતારવાની જાહેરાત કરી હતી અને કોંગ્રેસના ઉમેદવારને પૂર્ણ સમર્થન આપવાનું મોટું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે ભાજપ પર અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
જોકે, મમતા બેનર્જી માટે શુક્રવારનો દિવસ ડબલ આંચકારૂપ સાબિત થયો હતો. એક તરફ ચૂંટણી પંચ દ્વારા તૃણમૂળ કોંગ્રેસ (TMC) નું પ્રતીક અને નામ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ તેમની પાર્ટીના ઉમેદવારે જ અચાનક ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. તેવામાં તેમણે કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી જ હતી કે તેના થોડા જ સમયમાં કોંગ્રેસ ઉમેદવારની જૂના કેસમાં ધરપકડ થઈ ગઈ હતી.
કોંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનની જેલ ભેગા થવાની આ ઘટના બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ અત્યંત ગરમાઈ ગયું છે. વિપક્ષી દળો અને સમર્થકો દ્વારા આ ધરપકડને રાજકીય રીતે પ્રેરિત ગણાવવામાં આવી રહી છે. નંદીગ્રામ પેટાચૂંટણીના આ ગંભીર મોડ પર હવે તમામ પક્ષો પોતાની નવી રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ આ ઘટનાક્રમે ચૂંટણી જંગને અત્યંત રસપ્રદ અને સંવેદનશીલ બનાવી દીધો છે.