રાજકોટ મહાનગરપાલિકાના ૨૩મા મેયર તરીકે પદભાર સંભાળતાની સાથે જ નેહલ શુક્લને અદભુત અને રાજકીય ગરમાવો લાવે તેવી રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. કોંગ્રેસના અગ્રણી રણજીત મુંધવા સહિતના નેતાઓ દ્વારા નવનિયુક્ત મેયર નેહલભાઈને 'મેલોડી' ચોકલેટ ખવડાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જો કે, આ માત્ર ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ કોંગ્રેસે મોં મીઠું કરાવવાની સાથે-સાથે રાજકોટની જનતા વતી શહેરના સળગતા પ્રશ્નો અંગે નવા પદાધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત પણ કરી હતી.
કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવાએ આ તકે શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇંધણ બચાવવા માટે આહવાન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ રાજકોટમાં તૈયાર થઈ ગયેલો સાંઢીયા પુલ ઘણા સમયથી લોકો માટે ખુલ્લો મૂકવામાં નથી આવી રહ્યો. આ પુલ બંધ હોવાના કારણે સ્થાનિક જનતાને દરરોજ ૧.૫ કિલોમીટર જેટલો લાંબો આંટો મારવો પડે છે અને રેલવે ફાટકની ગંભીર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે પ્રજાના આ અવાજને વાચા આપતા મેયર સમક્ષ તાત્કાલિક ધોરણે આ પુલ જનતા માટે ખુલ્લો મૂકવા માંગ કરી છે.
આ ઉપરાંત, વોર્ડ નંબર ૭માં આવેલા ગામના ઐતિહાસિક મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૧૬થી આ મંદિરનું નવીનીકરણ કરવાની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ હજી પણ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે. આ અનોખી શુભેચ્છા મુલાકાતમાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ અને કોર્પોરેટરો દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરાઢિયા, હરેશભાઈ ભારાઈ તથા મનિષાબેન રોજાસરા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જનતાના પડતર પ્રશ્નોના વહેલા ઉકેલ માટે નવા મેયર કટિબદ્ધ બને તેવી આશા વ્યક્ત કરી હતી.