ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટની શાળાઓમાં રજા જાહેર કરવાની કોંગ્રેસની માંગ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરવાની માંગ કરી છે.
જિલ્લા કલેક્ટરને સંબોધીને લખાયેલા પત્રમાં ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે આવકારદાયક છે. પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાજકોટ જિલ્લામાં પણ શનિવારે ભારે વરસાદની સ્પષ્ટ આગાહી હોવા છતાં હજુ સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ બાબત ગંભીર ચિંતાનો વિષય હોવાનું તેમણે જણાવ્યું છે. અમદાવાદ, વડોદરા સહિતના કેટલાક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું પણ તેમણે ધ્યાન દોર્યું છે. ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિકની સમસ્યાઓ સર્જાવા તેમજ અન્ય સંભવિત જોખમોને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુશ્કેલી પડી શકે છે. તેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરી સાવચેતીરૂપે રાજકોટ શહેર અને જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી શાળાઓમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અંતમાં તેમણે જિલ્લા કલેક્ટરને વિદ્યાર્થીઓના હિત અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવા વિનંતી કરી છે ત્યારે કોંગ્રેસની આ રજૂઆત બાદ જિલ્લા વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણજગતની નજર મંડાઈ છે.