બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટીપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલો હવે વધુને વધુ વકરતો જાય છે. હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ(ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?
આ કેસમાં બનાવના મુખ્ય 4 આરોપી નાજુભાઈ કામડિયા, રાજુભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા અને અન્ય આરોપીઓના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા. રિમાન્ડ આવતીકાલે બપોરે 4 કલાકે પૂર્ણ થશે. રિમાન્ડ દરમિયાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને આ બનાવની ફરિયાદમાં BNS કલમ 109નો ઉમેરો કર્યો છે.
ભોગબનનાર નવનીતભાઈ દ્વારા માયાભાઈના પુત્ર જયરાજ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. સાથે બનાવ બન્યો ત્યારે જે મોબાઈલમાં વીડિયો ઉતારવવામાં આવ્યો હતો તે કોના મોબાઈલમાં ઉતારવવામાં આવ્યો હતો અને ત્યારે કોની સાથે વાત થઈ હતી તે અંગે તપાસ ચાલી રહી છે.