હિમાચલમાં કોંગ્રેસ હજુ પણ જોખમના દાયરામાં જ છે

  • December 15, 2022 06:21 PM 

ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે અને હિમાચલ પ્રદેશમાં પીછેહઠ સહન કરવી પડી છે પરંતુ હિમાચલમાં કોંગ્રેસમાં જૂથબંધીની જેટલી ચર્ચા પાછલા બે દિવસોમાં હતી તેને જોતા નવા મુખ્યમંત્રીના ‚પમાં સુખવિંદરસિંહની પસંદગી સહજતાથી થઈ ગઈ છે. જો કે આ નિર્ણય એટલોબધો સરળ નથી જેટલો ઉપરથી લાગે છે.


ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાસિંહ અને તેમના પુત્ર વિક્રમાદિત્યસિંહે ખુલ્લંખુલ્લા પોતાના પરિવારનો દાવો રજૂ કર્યો હતો અને તેની પાછળ વીરભદ્રસિંહની સમૃધ્ધ વિરાસત હતી. અત્રે નોંધવું જરૂરી છે કે, આ ચૂંટણીમાં ભાજપના પરાજયની પાછળ એક મોટું કારણ પૂર્વ મુખ્યમંત્રી પ્રેમસિંહ ધૂમલની ઉપેક્ષાથી ઉદ્ભવેલા અસંતોષને જ બતાવવામાં આવી રહ્યો છે.


આવી પરિસ્થિતિમાં એમ કહેવું ખોટું નહીં ગણાય કે કોંગ્રેસે રાજ્યમાં એક પ્રકારે મોટું જોખમ ઉપાડી લીધું પરંતુ આ જોખમને કારણે પ્રદેશની રાજનીતિને એક સાર્થક વણાંક મળ્યો છે. રાજ્યમાં કોંગ્રેસની રાજનીતિ રાજ પરિવારના પડછાયામાંથી બહાર નીકળી છે. મુખ્યમંત્રી સુખવિંદરસિંહ એક આમ પરિવારમાંથી આવ્યા છે. રાજનીતિમાં પણ એમની કેરિયર બિલકુલ તળિયેથી ઉપર ઉઠી છે. કોંગ્રેસ હાઈકમાન્ડને એવી આશા છે કે નવા નેતૃત્વવાળી સરકાર પોતાના કાર્યકાળનો ફાયદો ઉઠાવશે અને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરશે પરંતુ અસંતોષને કાબુમાં રાખવો એક મોટો પડકાર બની શકે છે.


પ્રતિભાસિંહ ભાજપના ટોચના નેતાઓ સાથે ગુપ્ત બેઠક પણ કરી શકે છે અને હજુ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ જોખમના દાયરામાં જ છે તેમ રાજકીય વિવેચકો માની રહ્યા છે. કારણ કે રાજ્યમાં ભાજપની તાકાત જોઈએ એટલી ઓછી થઈ નથી, તેના ધારાસભ્યોની સંખ્યા અને વિધાનસભામાં બહુમતી વચ્ચે ફકત ૯ બેઠકોનો ગેપ છે. આવી પરિસ્થિતિમાં અન્ય રાજ્યોના અનુભવને જોઈને કોંગ્રેસ મોવડી મંડળે જાગૃત અને એલર્ટ રહેવું પડશે કારણ કે, ગમે ત્યારે બાજી પલટાઈ પણ શકે છે. પાર્ટીના આંતરિક અસંતોષનો બીજા ફાયદો ન ઉઠાવી જાય તેના માટે ૨૪ કલાક સતર્ક રહેવાનું છે.
​​​​​​​
વિક્રમાદિત્ય સામે અને પ્રતિભાસિંહ સામે એક કેસમાં બિનજામીનલાયક વોરંટ નીકળ્યું છે અને હવે પછીના ફેરફારો પણ કોંગ્રેસ માટે ચિંતાજનક બની શકે છે તેમ રાજકીય પક્ષો માની રહ્યા છે ત્યારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં સફળતા મળી હોવા છતાં કોંગ્રેસ હજુ જોખમના દાયરામાં જ છે તેમ કહેવામાં અતિશ્યોક્તિ લાગતી નથી. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application