હાલારમાં વીજબીલના બાકી રૂ.૧.૪૭ કરોડ ન ભરતા ૫૪૭ ગ્રાહકના જોડાણ પીજીવીસીએલ દ્રારા કટ કરવામાં આવ્યા છે. બંને જિલ્લામાં ડીસેમ્બર મહીનામાં ૧૨૨૮૧૧ ગ્રાહકના રૂ.૬૨.૩૪ કરોડ વીજબીલના બાકી હતાં. જેમાંથી ૨૮૪૨૯ ગ્રાહકે રૂ.૧૭.૭૫ કરોડ ભર્યા છે. ૯૩૮૩૫ ગ્રાહકોના બાકી વીજબીલના રૂ.૪૨.૬૪ કરોડ વસૂલવા પીજીવીસીએલની ૧૦૦થી વધુ ટીમ કાર્યરત છે. ત્યારે વીજબીલ ન ભરનાર ગ્રાહકના જરૂર પડ્યે સર્વિસ વાયર અને ટીસી ઉતારી લેવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં અવ્વલ હાલારમાં વીજબીલ ભરવામાં પણ ગ્રાહકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. કારણ કે, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ડીસેમ્બર મહીનામાં બંને જિલ્લામાં કુલ ૧૨૨૮૧૧ વીજગ્રાહકોના રૂ.૬૨.૩૪ કરોડ વીજબીલના બાકી વીજકંપનીના ચોપડે બોલી રહ્યા હતાં. આથી વીજબીલના બાકી નાણા વસૂલવા પીજીવીસીએલ દ્વાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં વીજતંત્રની ૧૦૦ ટીમ ગ્રાહકો પાસેથી વીજબીલના નાણાંની વસૂલાતની કાર્યવાહીમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં એટલે કે ડીસેમ્બર-૨૦૨૫ દરમ્યાન કુલ ૨૮૪૨૯ ગ્રાહકો દ્રારા બાકી વીજબીલના રૂ.૧૭.૭૫ કરોડ ભરપાઇ કર્યા છે. જયારે ૫૪૭ ગ્રાહકો કે જેઓએ બાકી વીજબીલના રૂ.૧.૯૪ કરોડ ન ભરતા આ તમામ ગ્રાહકોના વીજજોડાણ કાપી એટલે કે રદ કરવામાં આવ્યા છે. જો કે, કડક વસૂલાત ઝુંબેશ છતાં હજુ ૯૩૮૩૫ ગ્રાહકોના કુલ રૂ.૪૨૬૪ કરોડ વીજબીલના બાકી છે. જેની વસૂલાત કામગીરી ચાલી રહી છે.
આ ગ્રાહકો જો ડીસેમ્બર મહીના સુધીમાં વીજબીલના બાકી નાણાં ભરપાઇ નહીં કરે તો વીજજોડાણ રદ કરવામાં આવશે. આટલું જ નહીં જરૂર પડયે વીજ મીટર તથા સર્વિસ વાયર પણ ઉતારી લેવામાં આવશે. આથી બાકી વીજબીલના નાણાં તાકીદે ભરપાઇ કરવા ગ્રાહકોને અનુરોધ કરાયો છે. તદઉપરાંત વીજબીલના નાણાની કેશલેસ ચૂકવણી કરવા અંગે વીજકંપની દ્રારા પૂરા પાડવામાં આવેલા જુદા-જુદા માઘ્યમોથી પણ ગ્રાહકો વીજબીલની ચૂકવણી કરી શકે છે. જેમાં ઇસીએસ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, વેબસાઇટ, પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન, વેબસાઇટ મારફત યુપીઆઇ મોડથી, ઇન્સ્ટા પેમેન્ટ, ઇ-વોલેટ, ગ્રાહકોની સંલગ્ન બેેંકની વેબસાઇટ, એટીએમ મશીન તથા આટીજીએસ-એનઇએફટી મારફત ઓનલાઇન વીજબીલના નાણાં ચૂકવી શકશે.