ગુજરાતમાં નકલી સીએમઓ, નકલી જજ નકલી ધારાસભ્ય નકલી પીએમઓ, નકલી પોલીસ, નકલી સરકારી વકીલ સહિતના અનેક ભાંડાફોડ થયા છે ત્યાં હવે સિંહ સદન સરકારી ગેસ્ટ હાઉસના કર્મચારી તરીકેની ઓળખ આપી નકલી કર્મીએ રૂમ બુકિંગના નામે નાણા પડાવ્યાનું ખુલ્યું છે.
ટ્રાવેલ એજન્સીના સંચાલક સહિત ત્રણને ઝડપી લીધા
સાસણમાં ઓનલાઈન પરમિટ બુકિંગ કરાવી બ્લેકમાં વેચવા મામલે સાયબર સેલ દ્રારા ટ્રાવેલ એજન્સીના સંચાલક સહિત ત્રણને ઝડપી લીધા હતા. આ ઉપરાંત હોટલ એસોસિએશન દ્રારા પણ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. મોટાપાયે બુકિંગનુ કૌભાંડ ચાલતું હોવાની પણ સંભાવના સેવાઈ રહી હતી. સાસણગીર સિંહ સદનમાં ગેસ્ટ હાઉસમાં મ બુકિંગના નામે અજાણ્યા ઈસમે સિંહ સદનના કર્મચારી તરીકે ઓળખ આપી ખોટી વેબસાઈટ ઉભી કરી હતી અને પ્રવાસીઓ સાથે સંપર્ક કરી મ બુકિંગ કરાવી નાણા વસૂલ્યા હતા. સમગ્ર બાબત અંગે પરમિટ બાદ હવે મ બુકિંગ ના નામે છેતરપિંડીનો ભાંડાફોઙ થતા વેબસાઈટ તથા વોટસએપ બિઝનેસ એકાઉન્ટ બનાવનાર અને કર્મચારીની ઓળખ આપનાર સહિતના ત્રણ અજાણ્યા ઇસમો સામે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ બેંકના અલગ અલગ ખાતા નંબરમાં નાણા ટ્રાન્સફર કરાવી લીધા
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સાસણ ગીરમાં સિંહ સદન સરકારી ગેસ્ટ હાઉસ કાર્યરત છે. આ સરકારી ગેસ્ટ હાઉસની અજાણ્યા ઈસમોએ નકલી વેબસાઈટ બનાવી હતી અને ત્યારબાદ તેમાં વોટસએપ બિઝનેસ એકાઉન્ટ નંબર ૯૧૭૦૮૮૭૨૪૭૬૨ વાપરનાર સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને પ્રવાસીઓના ગેરકાયદેસર રૂમ બુક કરી લેતો હતો. તેમજ ઓનલાઇન વેબસાઈટ દ્રારા સંપર્ક થયા બાદ ઇન્ડિયન ઓવરસીઝ, જમ્મુ અને કાશ્મીરના બેંક ખાતા નંબર તથા એકિસસ એમ ત્રણ બેંકના અલગ અલગ ખાતા નંબરમાં નાણા ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેટલું જ નહીં પણ ભેજાબાજે નકલી રીસીપ્ટ પણ બનાવી પ્રવાસીઓને આપી દીધી હતી. પરંતુ પ્રવાસીઓના નામે રૂમ બુકિંગ થયા જ ન હતા અને નાણા પણ ગપચાવી લીધા હતા. જોકે પોલીસ દ્રારા હાલ કેટલા પ્રવાસીઓનો સંપર્ક થયો હતો અને કેટલા નાણા ગુમાવ્યા તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી રહી છે.
રૂપિયા પડાવવાના બનાવથી ચકચાર જાગી
સાસણગીર સિંહસદનની નકલી વેબસાઈટ બનાવી સિંહ સદન ગેસ્ટ હાઉસના કર્મચારીની ખોટી ઓળખ આપી ઓનલાઇન બિઝનેસ નંબર દ્રારા સંપર્ક કેળવી રૂમ બુકિંગના નામે નાણાં પડાવનાર ઇસમો સામે સાસણગીર આરએફઓ યસ ભરતકુમાર ઉમરાળિયાએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એક્ટ સહિતની વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી વધુ તપાસ મેંદરડા પીઆઇ ગઢવીએ હાથ ધરી છે. ઓનલાઇન પરમીટ બાદ હવે ગેસ્ટ હાઉસના કર્મચારીના નામે બુકિંગ મેળવી રૂપિયા પડાવવાના બનાવથી ચકચાર જાગી છે. તેમજ લેભાગુ વેબસાઈટથી ચેતવવા પણ તાકીદ કરવામાં આવી છે
અગાઉ ઓનલાઇન પરમિટનો પણ થયો હતો ભાંડાફોડ
સાસણગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમિટ બુકિંગ કરાવી વેચવા મામલે જૂનાગઢની નાઝ અને અમદાવાદની એબી ટુર્સ એન્ડ ટ્રાવેલ સામે સીઆઈડી સાયબર સેલ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી વેબસાઈટ જેવી લાગતી છ બોગસ વેબસાઇટ બનાવી હતી અને અલગ અલગ ઈમેલ આઇડી માં ફેરફાર કરીને બુકિંગ અને પરમિટનો જથ્થો મેળવી લીધો હતો