વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા સામે વધુ એક ગુનો નોંધાયો છે. મૂળ લીલી સાજડીયાળીના વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા ગામે રહેતા યુવાનને રોકાણ પર સારા વળતરની લાલચ આપી રૂ. 3.60 લાખ મેળવી બાદમાં પૈસા પરત કર્યા ન હતાં. જેથી આ અંગે યુવાને જતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવાન ઈમિટેશન જ્વેલરીની મજુરીકામ કરે છે
મૂળ રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળીના વતની અને હાલ કોઠારીયા ગામ, આશિર્વાદ સોસાયટીમાં ભાડેથી રહેતા યુવાન કશ્યપભાઈ કિશોરભાઈ રામાણી(ઉ.વ. ૩૩)એ જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવિન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરાનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે અગાઉ ગોંડલ-જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે આવકાર રેસીડેન્સીમાં બ્લોક નં.૯૪માં રહેતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય જેથી આ મકાન વર્ષ ૨૦૨૪ માં વેચી દીધું હતું. બાદ યુવાન ઈમિટેશન જ્વેલરીની મજુરીકામ કરતો હોય અને તેનો વહીવટ રાજકોટ ખાતે હોય જેથી રાજકોટ ખાતે ભાડેથી રહેવા જતાં રહ્યા હતા.
મામાદેવના મંદીરે દોરા-ધાગા કરાવવા જતો હતો
યુવાને જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેના માટે તે કમઢીયા ગામે મામાદેવના મંદીરે દોરા-ધાગા કરાવવા જતો હતો. જ્યાં ભાવીન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરા (રહે.મોટાગુંદાળા, જેતપુર) પણ આવતો હોય જેથી મારે તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા યુવાન જેતપુર જેલમાં હતો. ત્યારે બન્ની ગજેરા પણ કોઇ ગુનામા જેતપુર જેલમાં આવતા બન્ની ગજેરા સાથે વાતચીત દરમિયાન યુવાને તેને પોતાના પરીવારની આર્થિક સ્થિતિ નબળી છે અને ગોંડલ ખાતે મકાન હતુ તે પણ વેચાઇ ગયેલ છે તેવી વાત બન્ની ગજેરાને કરી હતી. ત્યારે બન્ની ગજેરાએ કહ્યું હતું કે, મારી પાસે એક કંપનીના 200 કરોડનું કામ છે, તે કંપનીમાં હું એજન્ટ છુ અને તેમાં કીટ વિતરણનું કામ કરવાનુ છે, તેમાં તું રોકાણ કર તો સારૂ એવુ વળતર મળશે અને તારે મકાન લેવાના પૈસાનુ સેટિંગ થઈ જશે તેવુ કહ્યું હતું.
કોઈ ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી
જુન મહિનામાં યુવાન જેલમાંથી છુટતા બાદમાં યુવાને બન્ની ગજેરાને જે કંપનીમાં એજન્ટ છે તે કંપનીમાં રોકાણ કરવા માટે કટકે કટક રૂ.૩.૬૦ લાખ આપ્યા હતા. બાદમાં યુવાને ભાવીન ઉર્ફે બન્ની ગજેરાને આપેલ રૂ.3.60 લાખ બાબતે પુછતા તે સરખો જવાબ આપતો નહીં અને છેલ્લે એકાદ મહીના પહેલા તેણે વોટસએપ મેસેજમાં ગાળો આપી 'તારી પાસે પ્રુફ હોય તો લઈને આવજે, મારી પાસે તારા બધા રેકોર્ડિંગ અને ચેટ છે, એટલે મજા મજા કર, નવી તારીખ ભરવા તૈયાર રે' તેવુ કહી કોઈ ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી.જેથી યુવાને જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે