BREAKING NEWS

જામનગરના પુર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરની બદનામી કરવા પોસ્ટ મુકાતા ચકચાર

  • December 22, 2025 05:20 PM 



જામનગરના અગ્રણી બિલ્ડર પિતા-પુત્ર દ્વારા પોતાને જાહેર જીવનમાં બદનામ કરવા અંગે જુદી જુદી બે આઈડીના ધારક સામે સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તે જ આઈડી ધારક સામે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રીએ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. સાબર ક્રાઇમ પોલીસની ટીમ સમગ્ર મામલામાં તપાસ ચલાવી રહી છે, સોશ્યલ મિડીયા પર બિલ્ડર બાદ ધારાસભ્યની પ્રતિષ્ઠાને ખરડાવવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે, એઆઇ જનરેટેડથી વિકૃત ફોટા-વિડીયો વાયરલ કરનાર ફેસબુક આઇડી ધારક વિશાલ કણસાગરા અને તપાસમાં જે ખુલે તેની વિરુઘ્ધ ફરીયાદ થતા ચકચાર વ્યાપી છે અને આ બે જુદી જુદી ફરીયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસનો દોર આગળ ધપાવ્યો છે.


આધુનિક ટેકનોલજીનો દુરઉપયોગ કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહયા છે, સોશ્યલ મિડીયા પર જાણીતા વ્યકિતઓને કોઇ પ્રકારે બદનામ કરવાના ઇરાદે ટેકનોજીની મદદથી વિડીયો ફોટા વાયરલ કરવામાં આવતા હોય છે આવી બે ફરીયાદ પોલીસ મથકે પહોચી છે.


જામનગરના ચંદ્રગઢ ગામના વતની અને હાલ શહેરના ઓશવાળ કોલોની જૈન દેરાસરની બાજુમાં રહેતા અગ્રણી બિલ્ડર જમનભાઈ શામજીભાઇ ફળદુ અને તેમના પુત્ર જસ્મીનભાઇને સોશિયલ મીડિયાના માઘ્યમથી બદનામ કરવાના ઇરાદે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડીના વપરાશ કરતા વિશાલ કણસાગરા દ્વારા  નાણા પડાવવાના ઇરાદે તથા સસ્તી પ્રસિઘ્ધી મેળવવાના ઇરાદે પિતા-પુત્રના એઆઇથી એડીટીંગ કરેલા ફોટોગ્રાફસ વિકૃત કરી તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું ઇલેકટ્રોનિક રેકડ બનાવી અલગ-અલગ વિડીયો ફોટાઓ તથા બદનામ કરતા લખાણ લખી ઉશ્કેરણીજનક લખાણ આરોપીએ પોતાની આઇડીમાં અપલોડ-વાયરલ કર્યા હતા, 


ઉપરાંત પોતે જેઓની પાસેથી જમીન ખરીદ કરેલી તે ખેડુત જગદીશ ઓધવજીભાઇ તથા નરશી પ્રાગજીભાઇને પણ ધાક ધમકી આપી હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે, સાડી પહેરાવેલા અને સાહેદને ઘરમાંથી કાઢીને મારીશ તેવી ધમકીભર્યા મેસેજ અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજીસની મદદથી એડીટ કરેલા ફોટા મુકયા હતા.


જમનભાઇ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફેસબુક આઇડી વિશાલ કણસાગરા તથા ઇન્સટાગ્રામ આઇડી વી. કણસાગરા-૭૭ નામની આઇડીનો ધારક-વપરાશકર્તા તથા તપાસમાં જે ખુલે તેની સામે બીએનએસ કલમ ૩૩૬(૨), ૩૩૬(૪), ૩૫૧(૪), ૩૫૨, ૩૫૬ તથા આઇટીએકટ કલમ ૬૬(સી) મુજબ ફરીયાદ નોંધાવી હતી. 


અન્ય એક ફરીયાદમાં જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ દ્વારા  ફેસબુક આઇડી વિશાલ કણસાગરા તથા ઇન્સ્ટાગ્રામ આઇડી વી. કણસાગરા-૭૭ નામની આઇડીધારક-વપરાશકર્તા અને તપાસમાં જે ખુલે તેની સામે ગઇકાલે નોંધાવાયેલી ફરિયાદના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૪), ૩૫૨, ૩૫૧, ૩૫૬ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


 જે ફરિયાદમાં જાહેર કરાયાની વિગતો અનુસાર આરોપી ફેસબુક આઈ.ડી. ના વપરાશકર્તા વિશાલ કણસાગરા  તથા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ના વપરાશકર્તા વી. કણસાગરા૭૭ એ પોતાને સોશીયલ મીડીયાના માધ્યમથી બદનામ કરવાના ઇરાદે તેમજ પોતાની સમાજમાં બદનક્ષી થાય, અથવા કોઈને કોઈ પ્રકારે પોતાની પાસેથી નાણા પડાવવાના ઇરાદે તથા પોતાની સસ્તી પ્રસીધ્ધી મેળવવાના ઇરાદે પૂર્વ મંત્રીના ફોટા તેઓની મંજૂરી વગર કોઇપણ રીતે મેળવીને ચોરી કરી લીધા હતા.


 જે ફોટોગ્રાફ્સમા આર્ટીફીશીયલ ઇન્ટેલીઝન્સથી એડીટીંગ કરી ફોટોગ્રાફસ વિકૃત કરી પોતાની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવુ જાણવા છતાં ખોટું ઈલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી તથા અલગ અલગ વિડિયો બનાવી ફોટાઓ તથા વિડિયોમા બદનામ કરતા લખાણ લખી/બોલી સુલેહભંગ થાય તે માટે ઉશ્કેરવા સારૂ ઉશ્કેરણી જનક લખાણ લખી ફોટો ગ્રાફસ તથા વિડિયો પોતાની આઈ.ડી. મા અપલોડ કરી વાયરલ કરી દીધા હોવાનું જાહેર કર્યું હતું.


સાયબર ક્રાઇમના પી.આઇ. આઇ. એ. ધાસુરા અને તેઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે, અને બિલ્ડર જમનભાઈ ફળદુ અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ બંનેને અપમાનજનક કૃત્ય કરનાર ઉપરોક્ત આઈડી ધારક શખ્સની શોધખોળ હાથ ધરી છે. આ ફરીયાદ દાખલ થતા ચકચાર વ્યાપી છે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application