રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા નાનામવા ટીપી સ્કિમ નં.૩નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૨૦૪ જે અમિન માર્ગ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નર ઉપરનો કુલ ૪૬૬૯ ચોરસ મીટર ક્ષેત્રફળનો પ્લોટ છે, આ પ્લોટ ગઇકાલે ઇ-ઓક્શનથી વેંચાણ અર્થે મૂકવામાં આવ્યો હતો, અને તેની અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ.બે લાખ રાખવામાં આવી હતી તેમજ ઇએમડી ૯૩.૮૩ લાખ હતી. આ પ્લોટ ખરીદવા માટે ચાર બિલ્ડરોએ ખરીદદાર તરીકે ઇ ઓક્શનમાં ભાગ લીધો હતો જેમાં પ્રાઇડ કન્સ્ટ્રક્શને પ્રતિ ચો.મી. દીઠ રૂ.બે લાખની અપસેટ પ્રાઇસ સામે રૂ.૨,૨૭,૬૦૦ની હાઇએસ્ટ ઓફર આપી કુલ રૂ.૧૦૬ કરોડ, ૨૬ લાખ, ૬૪ હજાર ૪૦૦માં આ પ્લોટ ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. અલબત્ત અન્ય વિસ્તારોના છ પ્લોટ માટે એક પણ ઓફર આવી ન હતી.
ઉપરોક્ત ઉપરાંત નીચે મુજબના છ પ્લોટની ઇ ઓક્શન પણ જાહેર કરવામાં આવી હતી પરંતુ તે માટે કોઇ ખરીદદારોએ રસ દાખવ્યો ન હતો આ છ પ્લોટમાં નીચે મુજબ સમાવેશ થાય છે
(૧) રૈયા ટી.પી.સ્કિમ નં.૪નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ જે રૈયા મેઇન રોડ ઉપર સવન સિગ્નેટ સામે આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૩૨૨૧ ચોરસ મીટર અને અપસેટ પ્રાઈસ પ્રતિ ચોરસ મીટર દીઠ ૧.૩૦ લાખ તેમજ ઇએમડી રૂ.૪૧,૮૭,૩૦૦ રખાઇ હતી.
(૨) જ્યારે મવડી ટીપી સ્કિમ નં.૨૮નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૩૭/એ જે મહાત્મા ગાંધી ટાઉનશિપ પાછળ, ફિલ્ડ માર્શલ રોડ પાસે, ન્યૂ રિંગ રોડ ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૫૩૦૫ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૦ લાખ અને ઇએમડી ૬૩.૬૬ લાખ રખાઇ હતી.
(૩) રાજકોટ ટીપી સ્કિમ નં.૯નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.સી/૯ જે સિનર્જી-એચસીજી હોસ્પિટલ રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૩૭૧૩ ચોરસ મીટર છે, પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૯૦ હજાર અને ઇએમડી રૂ.૩૩,૪૧,૭૦૦ રખાઇ હતી.
(૪) રાજકોટ ટીપી સ્કિમ નં.૧૨નો કોમર્શિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૯૨ જે પંચવટી સોસાયટી, એચ.પી. પેટ્રોલ પંપ સામે, રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૬૪૮ ચોરસ મીટર છે, પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૫ લાખ અને ઇએમડી ૨૦.૬૦ લાખ રખાઇ હતી.
(૫)રાજકોટ ટીપી સ્કિમ નં.૧૨ના રેસીડેન્સિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૯૧ જે પૂનમ હોલ સામે, રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૫૮૮ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૧.૨૫ લાખ અને ઇએમડી ૧૯.૮૫ લાખ રખાઇ હતી. તેમજ (૬) રાજકોટ ટીપી સ્કિમ નં.૧૯ના રેસીડેન્સિયલ વેંચાણ હેતુનો ફાઇનલ પ્લોટ નં.૧૬/એ જે ભક્તિ પાર્ક સોસાયટી સામે, સાધુ વાસવાણી કુંજ માર્ગ, રેલનગર વિસ્તારમાં આવેલો છે. પ્લોટનું ક્ષેત્રફળ ૧૪,૫૦૭ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર દીઠ અપસેટ પ્રાઈસ ૪૫ હજાર રખાઇ હતી, સહિતના પ્લોટ સમાવિષ્ટ છે.
મવડીની ૧૦ દુકાનોની ૧૮૫ લાખની અપસેટ સામે રૂ.૨૯૬ લાખ ઉપજ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાલુભાઇ પારેખ ટાઉનશીપ ટી.પી. સ્કીમ ૨૭ મવડીના પ્લોટ નં. ૫૧ બી, ખાતે વેસ્ટ ઝોન પેકેજ-૫ હેઠળ તૈયાર થયેલ લાલુભાઇ પારેખ ટાઉનશીપ શોપીંગ સેન્ટરની કુલ-૧૦ દુકાનો જાહેર હરરાજી ગઇકાલે યોજાઈ હતી.વિશેષમાં મ્યુનિ.એસ્ટેટ ઓફિસર મેહુલ ગાંધીના જણાવ્યા મુજબ ઉપરોક્ત જાહેર હરરાજીમાં ૧૦ દુકાનોની હરરાજી કરવામાં આવી હતી, જેમાં તમામ દુકાનોની અપસેટ કિમત રૂ.૧૮૫.૩૦ લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીમાં રૂ.૨૯૬.૩૦ લાખ ઉપજ્યા હતા.આ હરરાજીમાં કુલ ૧૦૦થી વધુ નાગરિકો જોડાયા હતા.