રાજકોટ સહિતની મહાપાલિકાઓની ચૂંટણી નજીક આવતા હવે પ્રદેશ ભાજપ દ્રારા રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપના હોદેદારોની નિમણુંકની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ માટે સંભવત: આગામી તા.૧૦ નવેમ્બર સુધીમાં પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષકો આવશે અને તેમના સમક્ષ સંકલન બેઠકમાં થયેલી ચર્ચાને અંતે જે નામોની સર્વસંમતિ સધાઇ હશે તેવા ત્રણ–ત્રણ નામોની પેનલ વિધાનસભા વિસ્તાર દીઠ રજૂ કરાશે અને તે નામો પ્રદેશ સમક્ષ રજૂ થયા બાદ પ્રદેશને અનુકૂળ જણાય તે નામ ઉપર મંજૂરીની મહોર લાગશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
મહાપાલિકાની ચૂંટણી નજીક આવતા હવે સંગઠન સંરચનાની પક્ષીય કાર્યવાહી સહિતની તમામ કાર્યવાહી પણ ઇલેકશન મોડમાં આવી ગઇ છે. ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર્ર ઝોનની સંકલન સમિતિની મિટિંગ મળશે જેમાં સૌરાષ્ટ્ર્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ શહેર ભાજપ પ્રભારી પ્રકાશભાઇ સોની, રાજકોટના પ્રભારી મંત્રી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, સંસદ સભ્યો પરસોતમ પાલા, રામભાઇ મોકરિયા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરિયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, વર્તમાન પ્રમુખ ડો.માધવભાઇ દવે સહિતના કુલ ૧૬ જેટલા અપેક્ષિતોની ઉપસ્થિતિમાં હોદ્દેદારોના નામોની પેનલ અંગે પરામર્શ થશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે. આ અંગેની ચર્ચામાં શહેર ભાજપ મહામંત્રીઓ પણ અપેક્ષિત હોય છે પરંતુ હાલના બન્ને મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા અને અશ્વિનભાઇ મોલીયા મહામંત્રી પદ માટે દાવેદારોની રેસમાં સામેલ હોય તેવા કારણોસર કદાચ તેઓની હાજરી સંકલન બેઠકમાં અપેક્ષિત ન રહે તેવી પણ ચર્ચા છે.
હોદ્દેદાર બનવાની રેસમાં રહેલા આગેવાનો માટે હવે પોતાનો દાવો રજૂ કરવાની અંતિમ તક હોય હવે દરેક આગેવાનો પોતાના સમર્થકો સાથે મજબૂતીથી પોતાનો દાવો રજૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે, દરેક કાર્યકર્તા પોતાનો હાથ પકડે તેવા નેતાઓ મારફતે લોબિંગ કરાવી રહ્યા છે અને જૂથવાદ પણ જમાવટ કરતો જોવા મળી રહ્યો છે. અલબત્ત તમામ પ્રક્રિયાને અંતે અંતિમ નિર્ણય તો પ્રદેશનો જ રહેશે તેમાં બેમત નથી.
મહાપાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારોની નિમણુંકની પ્રક્રિયા હવે ઝડપી બનાવવામાં આવી છે. શહેર–જિલ્લાના પ્રમુખોની વરણી થયાને ત્રણ મહિનાથી વધુ સમય વિતવા છતાં હજુ સુધી શહેર–જિલ્લા સંગઠનના અન્ય હોદેદારોની ટીમની નિયુકિત થઇ નથી. હોદેદારોની નિમણુંકને લઇને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર્ર ઝોનની બેઠક યોજાશે ત્યારબાદ પ્રદેશમાંથી નિરીક્ષકો આવશે અને તેઓ રાજકોટ શહેરની ત્રણેય વિધાનસભા વાઇઝ ત્રણ–ત્રણ નામોની પેનલની યાદી જોઇ ધારાસભ્યો અને શહેર પ્રમુખ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી પ્રદેશમાં યાદી મોકલશે તેમ જાણવા મળે છે
૬૮–પૂર્વ રાજકોટ
પૂર્વ ડે. મેયર અશ્વિન મોલીયા
અશોક લુણાગરીયા
પુજાબેન પટેલ
રમેશ પરમાર
૬૯–પશ્ચિમ રાજકોટ
વિજય પાડલીયા
પૂર્વ કોર્પેારેટર અશ્વિન ભોરણીયા
કિરણબેન માંકડીયા
પૂર્વ કોર્પેારેટર ધર્મેન્દ્ર મિરાણી
૭૦–દક્ષિણ રાજકોટ
મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા
પૂર્વ કોર્પેારેટર જયંતિ સરધારા
શૈલેષ હાપલીયા
પૂર્વ કોર્પેારેટર અજય પરમાર
કોર્પેારેટર સુરેન્દ્રસિંહ વાળા
૭૧–રાજકોટ ગ્રામ્ય
પૂર્વ મેયર પ્રદિપ ડવ
રાજદિપસિંહ જાડેજા
વિજય કોરાટ
ભરત શીંગાળ
સંકલન મિટિંગમાં ચર્ચા બાદ જ નિર્ણય કરો
રાજકોટ શહેર ભાજપના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, પ્રદેશ ભાજપ તરફથી ગઇકાલે એવી મૌખિક સુચના આવી છે કે નિર્ણય લેતા પહેલા ફરજિયાત શહેર કે જિલ્લા ભાજપની સંકલન સમિતિની બેઠક બોલાવવી. સંકલનમાં ચર્ચા બાદ સર્વ સંમતિથી નિર્ણય લેવા જેથી પાછળથી કોઇ વિવાદને સ્થાન ન રહે.
પુરતો સમય આપી શકે તેને જ પદ આપો
રાજકોટ શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચાતી વિગતો અનુસાર, પ્રદેશ ભાજપમાંથી એવી પણ મૌખિક સુચના આપવામાં આવી છે કે ચૂંટણી વર્ષમાં સંગઠનને પુરતો સમય આપી શકે તેવા આગેવાનને જ સંગઠનમાં હોદ્દા આપવા, જેથી પક્ષની સંગઠન લક્ષી કામગીરી પર કોઇ વિપરીત અસર ન પડે.