BREAKING NEWS

રાજકોટ ભાજપના હોદ્દેદારો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન; કોણ કપાશે, કોણ ફાવશે..?

  • January 27, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આડે બે મહિના જેવો સમય બાકી રહ્યો ત્યારે હવે ગમે તે ઘડીએ રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ જિલ્લા ભાજપનું માળખું જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે. દાવેદારોએ લોબિંગ કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે હવે કોણ કપાશે અને કોણ ફાવશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.

રાજકીય વર્તુળોમાં એક તબક્કે એવી વાત વહેતી થઇ હતી, રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓના સંગઠન માળખાની જાહેરાત એક સાથે જ થશે, અલબત્ત તેવું થયું નથી.એક સાથે જાહેરાત કરવાને બદલે અનુકૂળતા અનુસાર અલગ અલગ શહેર અને જિલ્લાની જાહેરાત કરવાનું શરૂ કરાયું છે જેમાં શનિવારે સાંજે સૌપ્રથમ જુનાગઢ, આણંદ અને દાહોદના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સંપૂર્ણપણે નો રિપિટ થિયરી અમલી કરાઇ છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા સંગઠન માળખાના હોદેદારોની નિયુક્તિ માટેની ચર્ચા માટે આજે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરિયાને પ્રદેશે બોલાવ્યા છે અને બપોર બાદ ચર્ચા થનાર છે. જ્યારે રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખા મામલે સંભવત: આવતીકાલે શહેર પ્રમુખ ડો.માધવભાઇ દવેને બોલાવાય તેવી શક્યતા છે. મહાનગર અને જિલ્લા વાઇઝ વન ટુ વન ફોન કરીને પ્રમુખોને ચર્ચા માટે બોલાવાઇ રહ્યા છે.

રાજકોટમાં ચર્ચાતા નામો જ પસંદગી પામશે ? કોણ કપાશે અને કોણ ફાવશે ? તે અંગેની ચર્ચાએ રાજકીય ગરમાવો આવી ગયો છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે રાજકોટ શહેર પ્રમુખમાં ફેરફાર થશે ! જો કે જાણકારોના મતે આ વાત ફક્ત એક ચર્ચા જ છે તેવું થવાની શક્યતા નહિવત છે. મહાનગરપાલિકાની ચૂંટણી આડે માંડ બે મહિના જેવો સમય બાકી રહ્યો હોય હવે ચાલુ સપ્તાહના અંત સુધીમાં સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર થઇ જશે તેમ મનાય રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application