એલ.સી.બી.ઝોન ૧ ની ટીમે દરોડા પાડી ૧૭૪ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૩૪,૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો
આજીડેમ વિસ્તારમાં એલસીબી ઝોન-૧ ની ટીમે દેશીદારૂના ધંધાર્થીઓ વિરોધી ડ્રાઇવ યોજી હતી. જેમાં દેશી દારૂ સાથે ત્રણ મહિલા સહિત પાંચ શખસોને ઝડપી લઇ પ્રોહીબિશનના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની અને ડીસીપી ઝોન-૧ હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.વી.ચુડાસમા અને એલસીબી ઝોન-૧ની ટીમે આજીડેમ વિસ્તારમાં પાંચ સ્થળો પર દેશી દારૂની ડ્રાઇવ યોજી હતી.
આ ડ્રાઈવમાં ગુલાબ નગર મેઇન રોડ, શેરી નંબર ૫, સાઈબાબા સર્કલ પાસે રહેતી મહિલા મિતલ કિશોરભાઈ સનુરા(ઉં વ ૩૫)ને ગુલાબ નગર મેઇન રોડ પાસેથી જાહેરમાં રૂ. ૧૪૦૦ ની કિંમતના ૭ લિટર દેશી દારૂ સાથે પકડી લીધી હતી. કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ પાછળ સ્વાતી પાર્કની સામે જાહેરમાં રૂ. ૧૪૦૦ની કિંમતના ૭ લિટર દેશી દારૂ સાથે લક્ષ્મીબેન કરસનભાઈ સાડમિયા (ઉ વ ૫૦)ને પકડી લીધી હતી. રણુજાનગર શેરી નંબર ૨, ચોકડી પાસેથી જયશ્રીબેન અમરસિંહભાઈ સોલંકી (ઉં વ. ૪૯) ને રૂ. ૧૦૦૦ની કિંમતના ૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. લાપાસરી રોડ, વેલનાથપરા શેરી નંબર ૩ પાસેથી વિક્રમ ઉર્ફે ગડો સુખાભાઈ કાલીયા(ઉં વ ૪૫)ને રૂ.૩૦,૦૦૦ની કિંમતની ૧૫૦ લિટર દેશીદારૂ સાથે પકડી લીધો હતો તેમજ કોઠારીયા સોલવન્ટ નારાયણ કાંટા પાસે કોઠારીયા ગામ પાસેથી રાજુ દડુભાઇ સામઢીયા(ઉં વ ૩૨)ને રૂ. ૧૦૦૦ની કિંમતની ૫ લીટર દેશી દારૂ સાથે પકડી પાડી તમામ સામે પ્રોહિબિશનનો ગુના નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં પી.એસ.આઈ. બી.વી. ચુડાસમા, મનરૂપગીરી ગોસ્વામી, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, રવિરાજભાઈ પટગીર, એલ.સી.બી. ઝોન ૧ ની ટીમ સાથે રહી હતી.
રૈયાધારમાં દેશી દારૂની ભઠ્ઠી પર એલ. સી. બી. ઝોન- ૨નો દરોડો
એલ.સી.બી.ઝોન ૨ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રૈયાધાર મફતિયાપરાના પ્લોટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે.પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ચાલુ દેશી દારૂની ભઠ્ઠી સાથે લક્ષ્મીબેન હરેશભાઈ સાડમિયા(ઉં વ ૨૨)ને પકડી પાડી હતી. પોલીસે રૂ.૨૦૦૦ની કિંમતનો ૧૦ લિટર દેશી દારૂ,રૂ. ૨૫૦૦ની કિંમતનો ૧૦૦ લીટર બળેલો અને ઠંડો આથો, રૂ. ૩૯૦૦ ની કિંમતના સાધનો સહિત રૂ. ૮૪૦૦ નો મુદામાલ કબજે કરી આરોપી મહિલા સામે પ્રોહિબિશનનો ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.