જામકંડોરણાના સેલ્ફ ડ્રાયવમાં કાર ભાડે આપતાં વેપારી રાજકોટ અને જામનગરના ગઠીયા એ પ્રિવેડિંગ શૂટ અર્થે લકઝરીયસ બીએમડબ્લ્યુ કાર ભાડેથી મેળવી ચીટર બેલડી કાર સાથે ભુગર્ભમાં ઉતરી જતા વેપારીએ 8.80 લાખની છેતરપિંડી થયા અંગેની જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાબેના જસાપર રહેતા અને કાર ભાડે આપવાનો વ્યવસાય કરતા ઉત્સવભાઈ દિનેશભાઇ સાવલિયા ઉ.વ. 20એ જામકંડોરણા પોલીસ મથકમાં આરોપી તરીકે રાજકોટના જતીન પ્રભાતભાઈ પરમાર અને જામનગરના નાની વાવડી ગામે રહેતા વિશાલ પ્રવીણભાઈ સાંગાણી સામે ફરિયાદ નોંધાવી હતી
જામકંડોરણા ખાતે કાર સેલ્ફ ડ્રાયવમાં ભાડે આપવાનો વ્યવસાય કરે છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.13-10-2025 ના રોજ જતીન પ્રભાતભાઈ પરમારે ફોન કરી તેણે સાસણ ગીર ખાતે પ્રિવેડિંગ શૂટ અર્થે લકઝરીયસ કારની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી યુવાને તેમની પાસે બીએમડબ્લ્યુ 5301 ઈ-3 કાર હોવાનું જણાવ્યું હતું. બાદ આ કાર ભાડે મેળવવાનું અને દરરોજનું 10 હજાર ભાડા પેટે ચૂકવવાનું નક્કી થયું હતું.
બાદમાં જતીન પરમારે કાર લેવા અર્થે વિશાલ સાંગાણીને મોકલ્યો હતો. વિશાલે તા.13 થી 15 ઓક્ટોબર એટલે કે ત્રણ દિવસના ભાડા પેટે રૂ. 30 હજાર ચૂકવી બીએમડબ્લ્યુ કાર મેળવી ચાલ્યો ગયો હતો. બાદ ત્રણ દિવસની મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ ગત તા.15-10-25 ની રાત્રે જતીન પરમારને ફોન કરતા તેણે કોલ ઉપાડ્યા ન હતા. બાદ વિશાલને ફોન કરતા તેણે પણ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
બીજા દિવસે ફરીવાર બંનેને ફોન કરતા બંનેએ કોલ ઉપાડી મોબાઈલ સાઈડમાં મૂકી દીધો હોય તેમ ફક્ત બેક ગ્રાઉન્ડનો અવાજ સંભળાતો હતો. બાદમાં ફરિયાદીએ ફરીવાર ફોન કરતા બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવતા ફરિયાદી સાથે છેતરપિંડી થઇ ગયાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે યુવાને બંને ઠગ બેલડી સામે ફરિયાદ આપતાં જામકંડોરણા પોલીસે રાજકોટ જામનગરના શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી