રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી સર્કલ નજીક બાઈક સ્લિપ થતા દંપતીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં પ્રૌઢનું મોત નિપજતા દંપતી ખંડિત થયું છે. જયારે પ્રૌઢાની હાલત ગંભીર જણાઈ રહી છે. રાજકોટનું દંપતી મોવિયા નજીક દીકરીના ઘરે આટો દેવા માટે આવ્યું હતું, પરત ફરતી વખતે સ્પીડ બ્રેકરમાં બાઈક સ્લિપ થવાથી બનાવ બન્યો હતો.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના પડધરી સર્કલ પાસે ભારત હોટેલ નજીક આવેલા સ્પિડ બ્રેકરને કારણે બાઈક સ્લિપ થતા દંપતી રોડ પર પટકાતા માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને કરતા એએસઆઈ વકારભાઈ આરબ સહિતના હોસ્પિટલે દોડી ગયા હતા. અકસ્માત સમયે પ્રૌઢએ પોતાનું નામ ધનજીભાઈ રામજીભાઈ સાકરીયા (ઉ.વ.60) અને પત્નીનું નામ રંજનબેન (ઉ.વ.50-રહે-રાજકોટ)ના હોવાનું જણાવ્યા બાદ બેભાન થઈ જતા પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રીના ધનજીભાઈનું મોત નિપજતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક નિવૃત જીવન જીવતા હતા અને સંતાનમાં બે દીકરી છે. જેમાં એક દીકરી મોવિયા સાસરે હોય ત્યાં આટો દેવા માટે આવ્યા હતા રાત્રીના રાજકોટ પરત ફરતા હતા ત્યારે ભારત હોટેલ પાસે ખડકેલાં સ્પીડ બ્રેકર પર બાઈક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application