શહેરમાં જીવલેણ અકસ્માતના બનાવો રોકાવાનું નામ નથી લેતા. શહેરની વર્તુળમાં છેલ્લા એક મહિનામાં રોડ અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે ગઈકાલે રાત્રીના આજીડેમ રોડ પર રામવન પાસે પુરપાટ ઝડપે જતી બોલેરોએ બાઇકને પાછળથી ઠોકર મારતા બાઈક સવાર દંપતિ રોડ પર પટકાતા ઇજા થઇ હતી જેમાં મહિલાનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતા શારદાબેન રાજેશભાઈ કોટડીયા (ઉ.વ.50)ના ગઈકાલે રાત્રે પતિની મોટરસાઈકલમાં બેસીને પિરવાડી ખાતે રહેતા મોટાબાની ખબર કાઢવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે રામવન નજીક પહોંચતા પાછળથી આવતી બોલેરો પીકઅપ વાને બાઇકને ઠોકર મારતા દંપતિ ફંગોળાયું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. અને દંપતીને પ્રથમ લોટ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહિલાને વધુ પડતી ગંભીર ઇજા હોવાથી સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર શારદાબેનને સંતાનમાં બે દીકરા છે, પતિ રાજેશભાઈ મજૂરી કામ કરે છે. ગઈકાલે પિરવાડીમાં રહેતા મોટાબા બીમાર હોવાથી ખબર કાઢવા ગયા હતા ત્યાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application