રાજકોટની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ગઇકાલે ઇ-મેઈલથી ગંભીર ધમકી મળી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તામિલનાડુના એક સંગઠન અને આતંકી સંગઠનના નામે મોકલવામાં આવેલા આ ઈ-મેલમાં કોર્ટ પરિસરમાં હ્યુમન સુસાઈડ બોમ્બર માકલવાની ધમકી આપવામાં આવી હતી.
યુનિવર્સિટી પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં અર્ચનાબેન રોબીનભાઈ ઠક્કરની ફરિયાદ પરથી ઈ-મેલ આઈડી પરથી મેલ મોકલનારા સામે ગુનો નોંધ્યો છે. ગઇકાલે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર વિક્રમ રાજયગુરૂ એટ ધ રેટ આઉટલુક ડોટ કોમ નામના એડ્રેસ પરથી એક મેલ આવ્યો હતો. આ મેલનું હેડીંગ તમારા કોર્ટ પરિસરમાં 3 આરડીએકસનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મુકવામાં આવ્યો છે તેવું રાખવામાં આવ્યું હતું.
આ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તામિલનાડુમાં ચાલી રહેલા JACTO-GEO વિરોધ પ્રદર્શન પરથી ધ્યાન હટાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. ભુતપુર્વ એલટીટીઇ સભ્યો અને કાશ્મીરના આઇએસકેપી સભ્યોએ કોર્ટને ટાર્ગેટ કરી છે. કોર્ટ બિલ્ડિંગમાં અલગ-અલગ જગ્યાએ ૩ જેટલા આરડીએકસ આઇઇડી ગોઠવી દેવામાં આવ્યા છે. જો રીમોટ કંટ્રોલથી બ્લાસ્ટ નહીં થાય, તો શ્રીલંકાના ઈસ્ટર ઓપરેશનની જેમ અત્મઘાતી હુમલાખોરો અંદર આવીને વિસ્ફેટ કરશે.
તેમજ ઈ-મેલમાં ન્યાયાધીશો અને સ્ટાફને બપોરે ૧:૫૫ વાગ્યા સુધીમાં બિલ્ડિંગ ખાલી કરી દેવાની ચેતવણી અપાઈ હતી. આ ધમકીને પગલે કોર્ટના રજિસ્ટ્રાર અર્ચનાબેન ઠક્કર દ્વારા આ બાબતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસ અને એસઓજી શાખાને એલર્ટ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વકીલો અને અરજદારોની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નહોતા.
તપાસના અંતે આ મેલ માત્ર ભય ફેલાવવા અને કોર્ટની કામગીરીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યો હોવાનું જણાતા, અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અર્ચનાબેન રોબીન ઠક્કર રજિસ્ટ્રાર, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, રાજકોટની ફરિયાદને આધારે યુનિવર્સિટી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૪) અને ૩૫૩(૧)(બી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પીઆઈ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઈ એન. કે. પંડયા એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાયબર સેલ દ્વારા મેલ મોકલનાર શખ્સના લોકેશનને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.