રાજકોટ શહેર એસઓજીની ટીમે ગત મહિને બામણબોર ચેકપોસ્ટ પાસેથી 204 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. બાદમાં આ અંગે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર હાલ ઓરિસ્સામાં રહેતા મૂળ હડાળાના વતની અમિત ઉર્ફે ગોરખો અને માદક દ્રવ્યોની હેરફેર માટેની મદદગારી કરનાર તેના ભાઇ સિકંદર ઉર્ફે ઇમરાનને હડાળા ગામેથી ઝડપી લીધા છે. આ પૂર્વે માદક પદાર્થનો જથ્થો મંગાવનાર રજમીન ઉર્ફે માયાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ, શહેર એસઓજીની ટીમે 1.55 કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો અને જે તે સમયે મહંમદ ઉર્ફે કાળો હુસેનભાઇ સર્વદી તથા અરબાઝ સલીમભાઈ સંધી નામના બે શખસોને માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બાદમાં આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા તથા તેમની ટીમ આ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે તપાસમાં હતી. દરમિયાન પીએસઆઇ રાણા તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અલગોતર, રાહુલભાઈ ગોહિલ અને નિકુંજભાઈ મારવીયાને મળેલી બાતમીના આધારે હડાળા ગામના પાટીયા પાસેથી આ ગુનામાં ફરાર આરોપી અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગોરખો ખમીશાભાઈ કાતીયાર (ઉ.વ. 28) અને સિકંદર ઉર્ફે ઇમરાન ઉર્ફે ઉંદેડો ખમીશાભાઈ કાતિયાર (ઉ.વ. 26 રહે. બંને હડાળા ગામ શક્તિવાડીની સામે પૂજા પાર્ક ,મોરબી રોડ) ને હડાળા ગામના પાટિયા પાસેથી ઝડપી લીધા હતાં.પોલીસની પ્રાથમિક તપાસમાં અમિત ઉર્ફે ગોરખો ઓરિસ્સામાં મકાન ભાડે રાખી રાજકોટ અને ઓરિસ્સા વચ્ચે આવન જાવન કરતો હતો અને ઓરિસ્સાથી રાજકોટમાં ગાંજો સપ્લાય કરતો હતો. અગાઉ ભાડાની સેલ્ફ કારમાં તેમજ ટ્રકમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હોવાની માહિતી મળી હોય જેથી અન્ય કોઇ શખસોની સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપી અમીત ઉર્ફે ગોરખો સામે અગાઉ ગુજરાતમાં ચોરી, એનડીપીએસ એક્ટ, સ્ત્રી અત્યાચાર, જાહેરનામા ભંગ સહિતના પાંચ જ્યારે ઓરિસ્સામાં એનડીપીએસ એક્ટ સહિતના બે ગુના મળી કુલ સાત ગુના નોંધાઈ ચૂક્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, 204 કિલો ગાંજા પ્રકરણમાં તપાસમાં ગાંજાનો આ જથ્થો રાજકોટમાં કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા રજમીન ઉર્ફે રમીઝ ઉર્ફે માયા ઉર્ફે ભાણો રજાકભાઈ પતાણી (ઉ.વ. 28) એ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે અગાઉ ગાંજાનો જથ્થો મંગાવનાર રજની ઉર્ફે માયાને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application