BREAKING NEWS

લાઇસન્સ વગર ફટાકડા વેચનાર પાંચ વેપારી સામે ગુનો નોંધાયો

  • October 17, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યારથી જ રાત્રિના લોકો ફટાકડા ફોડી દિવાળીની પર્વની ઉજવણી કરવા લાગ્યા છે. ત્યારે દિવાળીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને જાનહાનિ ન થાય તે માટે લોકોની સલામતીને ધ્યાને લઈ પોલીસ દ્વારા ફટાકડા વેચનાર તમામ નિયમોનું પાલન કરે છે કે કેમ? જો નિયમોનું પાલન ન થતું હોય તો તેની સામે કાર્યવાહી કરવા માટે એક્શનમાં આવી ગઈ છે. રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસે નહેરૂનગર અને પ્ર.નગર પોલીસે રેલનગર વિસ્તારમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર સામે જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે રાજકોટ ગ્રામ્ય પોલીસે પડધરીમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર બે શખસો સામે ગુનો નોંધ્યો છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરના લોકોની સલામતીને ધ્યાને લઈ આગામી દિવાળી તહેવારોમાં ફટાકડાનું ગેરકાયદે વેચાણ કરનાર તેમજ લાઇસન્સ વગર ફટાકડા વેચી જોખમ પરિસ્થિતિ નિર્માણ કરનાર શખસો સામે કાર્યવાહી કરવા શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.બી. રાણીંગા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ શ્રદ્ધા એપાર્ટમેન્ટ પાસે બાલાજી ફટાકડા નામનો ફટાકડાનો સ્ટોર ચલાવનાર શખસ પાસે ફટાકડા વેચવા માટેનું કોઈ લાઇસન્સ ન હોય પોલીસે સ્ટોર સંચાલક વિશાલ ભુપતભાઈ જોગડીયા (ઉ.વ 20 રહે. નેહરૂનગર શેરી નંબર 3, ઘાંચી હોલની સામે) વિરુદ્ધ જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ જ વિસ્તારમાં શ્રીજી કોમ્પલેક્ષ કાજલ પાન પાસે પિયુષ ફટાકડા નામનો સ્ટોર ચલાવનાર પિયુષ ભુપતભાઈ ડંડૈયા (ઉ.વ 21 રહે. 53 કવાર્ટર વિવેકાનંદનગર શેરી નંબર 12, રાજકોટ) પાસે પણ ફટાકડાનું લાઇસન્સ ન હોય તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નેહરૂનગર 80 ફુટ રોડ પટેલ ચોક પાસે દીપ હાર્ડવેરની દુકાનની બાજુમાં લાઇસન્સ વગર ફટાકડા વેચનાર અશોક રવજીભાઈ દેસાઈ (ઉ.વ 48 રહે. ભવનાથ પાર્ક શેરી નંબર 15, હરિદ્વાર રોડ, રાજકોટ) વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ રાજકોટ જિલ્લામાં પોલીસ પણ ફટાકડા અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે પડધરી પોલીસ મથકના સ્ટાફે પડધરીમાં મેઇન બજાર પાસે આશાપુરા કોમ્પલેક્ષ સામે આશાપુરા ફટાકડા સ્ટોલના સંચાલક ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રહે. પારસ સોસાયટી, પડધરી) વિરુદ્ધ લાઇસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવવા બાબતે જાહેરનામાભંગ અંગેનો ગુનો નોંધ્યો છે તેમજ આ જ વિસ્તારમાં લાઇસન્સ વગર ફટાકડાનો સ્ટોર ચલાવનાર કરણ કરશનભાઇ ગોલતર (ઉ.વ 20 રહે. ભરવાડવાસ, પડધરી) વિરુદ્ધ પણ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application