દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુર વિસ્તારની નવનિયુકત મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર અને સાગરીતો વિરુઘ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બનેલ છે. જેના માધ્યમથી તેઓ ગેરકાયદેસર સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ મહતમ હોવવાથી જેની અર્થતંત્ર ઉપર પ્રતિકુલ અસર થઇ રહેલ હતી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ નારકો-ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે. જેથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે સન ૨૦૧૫ના વર્ષ દરમ્યાન ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવેલ છે, જે અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરના વિકાસ સહાય તથા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તરફથી મળેલ માર્ગદર્શન અને સુચના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાહેબ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. તથા મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની કાર્યરત ગેંગ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સબબે જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ.
પ્રાથમિક માહીતી અનુસાર સન ૨૦૨૨ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત બિચ્છુ ગેંગ વિરુદ્ધ આ કાયદા હેઠળ કાર્યવાહીકરવામાં આવેલ હતી પરંતુ ત્યાર બાદ (૧) કિશનભા ભાવુભા માણેક (જોધાણી) જાતે હીન્દુ વાઘેર રહે હાલ રહે, માણેક ચોકઉધોગ નગર સુરજકરાડી મુળ રહે. મેવાસા ગામવાડી વિસતાર તા. દ્વારકા (૨) મેહુલભાઇ ઉર્ફે ભુરો કમલેશભાઇ પરમાર જાતે હીન્દુ ખવાસ રહે હાલ સાંઇ બાબાના મંદિરની પાછળ ગાયત્રી નગર આરંભડા સીમ તા. દ્વારકા મુળ રહે. ભાતેલ ગામ તા.ખંભાળિયા જિ.દેવભૂમિ દ્વારકાનાઓની સીન્ડીકેટ હેઠળ એક નવી મહાકાલ ગેંગ કાર્યરત થયેલ હોવાનું ધ્યાને આવેલ હતું.
ગઇ તા-૧૫/૦૯/૨૦૨૫ સાંજના આશરે સાડા છ થી સાત સમયગાળા દરમ્યાન આરોપીઓ દ્વારા ફરીયાદીનું અપહરણ કરી પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા સારૂ અપહરણ કરી ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી આચરેલ હોવાનું જણાઇ આવતા આ કામે ગઇ તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૨/૦૦ વાગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે. જેથી આ પ્રકારની ગેંગ સતત ગુનાહિત પ્રવૃતિમાં કાર્યરત હોવાનું જણાઇ આવતા જે બાબતે પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાનાઓ તરફથી ગુપ્ત રાહે પો.ઇન્સ.શ્રી મીઠાપુર પોલીસ સ્ટેશનનાઓ પાસે પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલ. આ દરમ્યાન આરોપીઓ દ્વારા એક અનુસુચિત જાતિની મહીલા સહિત તેમના પરીવારજનોને જાતિવાચક શબ્દો કહી તેઓના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોવાનું જણાઇ આવતા તા. ૨૧/૦૯/૨૦૨૫ના રોજ મીઠાપુર પો.સ્ટે. "એ" પાર્ટ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૫૧(૩),૩૫૨,૫૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) (આર),૩ (૧) (એસ),૩ (૨) (૫-એ) મુજબનો ગુનો નોંધવામાં આવેલ હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબીના સહયોગથી પો.ઇન્સ. મીઠાપુર પો.સ્ટે.નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ગુપ્ત પ્રાથમિક તપાસની કાર્યવાહી દરમ્યાન આ કામના આરોપીઓ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવું, ધમકાવવું, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર, ગેરકાયદેસરની મંડળી બની ગુના આચરવારે તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ મેળવતા હોવાનું જણાઇ આવેલ અને તેઓ છેલ્લા ઘણા સમયથી સતત રીતે પોતાની ગુનાહિત પ્રવૃતિ આચરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટનું વિસ્તરણ કરી એક નવનિયુકત મહાકાલ ગેંગ ચલાવી રહેલ હોવાનું જણાઇ આવતા મજકુર આરોપીઓની સતત ચાલી રહેલ ગુનાહિત પ્રવૃતિને અંકુશ હેઠળ લેવા સારૂ ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવી અનિવાર્ય જણાતા જે આધારે ગુજસીટોક હેઠળની કાયદાકીય જોગવાઇઓ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) ૨૦૧૫ ની કલમ ૩ (૧),૩(૨),૩(૩), ૩(૪).૩(૫) હેઠળ કુલ ૭ આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મહાકાલ ગેંગની ગુનાહિત પ્રવૃતિ
આ સંગઠીત ગુનાહીત ટોળકીના સુત્રધારો સહિત તેના સભ્યો છેલ્લા ઘણા સમયથી મીઠાપુર વિસ્તારમાં વ્યકિતગત તેમજ સામુહીક રીતે પોતાની ધાક જમાવવાના હેતુથી સતત રીતે હાલ સુધી ગંભીર પ્રકારના શરીર સબંધી ગુનાઓ આચરી કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ કરી પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહીત વર્ચસ્વ સ્થાપિત કરવા ખુનની કોશીષ, ખંડણી વસુલવી, ગેરકાયદેસર મંડળી રચવી, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર ગંભીર ઇજા જેવી મારામારી, ધાકધમકી આપવી, બળજબરીથી પડાવી લેવુ, ગેરકાયદેસર રીતે દારૂ જેવી અસામાજીક પ્રવૃતિ ચલાવવી વિગેરે જેવા અનેક ગુનાહીત કૃત્યો આચરી મીઠાપુર વિસ્તારની આમ જનતા માટે ભયનું વાતાવરણ ઉભુ કરેલ હતુ. આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટના મુખ્યો સુત્રધારો સહિત તેના સભ્યો વિરૂધ્ધ અનેકવાર ગુનાહિત કાર્યવાહી તેમજ જરૂરી અટકાયતી પગલા લેવામાં આવેલ હોવા છતા તેઓ પોતાની આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ અવિરતપણે કાર્યરત રાખતા હતા. આ મહાકાલ ગેંગના સદસ્યો મીઠાપુરની જનતા પાસેથી વસ્તુઓ લઇ પૈસા નહી આપવા, જાહેરમાં દાદાગીરી કરી, માર મારવો ધમકાવવા વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિ આચરેલ હતી પરંતુ આ ગેંગના ખૌફના કારણે આમજનતા તેઓ વિરૂધ્ધ કોઇ રજુઆત કે ફરીયાદ કરવા સારૂ સરળતાથી તૈયાર થતા ન હતા.
ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટમાં આરોપીઓની સંડોવણી
આરોપીઓમાં સુરજકરાડી ઉધોગનગરના મુળ મેવાસાના કિશનભા ભાવુભા માણેક, આરંભડા સીમ મુળ ભાતેલના મેહુલ ઉર્ફે ભુરો કમલેશ પરમાર, ભીમરાણાના કરણભા જેઠાભા કારા, સુરજકરાડીના ઉમેશભા અજુભા માણેક, આરંભડા સીમના કનૈયા ઉર્ફે કાનો સામરા હાથીયા, એભાભા વીરાભા સુમણીયા અને આરંભડા સીમ કૃષ્ણનગરના દીપુભા વીરાભા સુમણીયાનો સમાવેશ થાય છે. ક્રાઇમ સીન્ડીકેટના મુખ્ય સુત્રધારો સહિત કુલ ૭ આરોપીઓનો આ ગુજસીટોકના કાયદા હેઠળ સમાવિષ્ટ કરવામાં આવેલ છે. જે તમામને હસ્તગત કરી તારીખ ૧૪/૧૦/૨૦૨૫ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે. આ ગુનાની આગળની વધુ તપાસની કાર્યવાહી સાગર રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક, દ્વારકા વિભાગ, દ્વારકા જિ. દેવભૂમિ દ્વારકાનાઓ ચલાવી રહેલ છે.