BREAKING NEWS

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: બેંગકોકથી ટ્રોલી બેગમાં છુપાવીને લવાયેલો રૂ.4 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

  • July 01, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સામાન્ય રીતે લોકો પોતાના સપનાઓ અને વહાલસોયા પરિવારને મળવાની ખુશીઓ લઈને ઉતરતા હોય છે. પરંતુ, કેટલાક લોકો ટૂંકા રસ્તે અમીર બની જવાના ચક્કરમાં પોતાના સામાનમાં ‘મોતનો સામાન’ છુપાવીને લાવતા હોય છે. એરપોર્ટ પરથી ફરી એકવાર કસ્ટમ વિભાગે આવી જ એક મોટી દેશવિરોધી ગતિવિધિનો પર્દાફાશ કર્યો છે, જે સાબિત કરે છે કે સુરક્ષા એજન્સીઓની નજર કેટલી તેજ છે.


અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક સપાટો બોલાવીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના મોટા નેટવર્કને નિષ્ફળ બનાવ્યું છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટના એક મુસાફર પાસેથી અંદાજે રૂપિયા ૪ કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગે ડ્રગ્સના જથ્થા સાથે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પહેલીવાર વિદેશ પ્રવાસ કરનાર ‘મોહરો’ બન્યો
કસ્ટમ વિભાગની તપાસમાં આ સ્મગલિંગની પદ્ધતિ (Modus Operandi) ને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલો આરોપી પોતાની ટ્રોલી બેગમાં પ્લાસ્ટિકના ૨૨ ખાસ પેકેટોની અંદર ૪.૨૭૬ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો અત્યંત ચતુરાઈથી સંતાડીને લાવ્યો હતો. સામાન્ય રીતે ડ્રગ માફિયાઓ એવા લોકોને પકડે છે જેઓ પહેલીવાર વિદેશ પ્રવાસ (First Time Traveler) કરી રહ્યા હોય જેથી સુરક્ષા એજન્સીઓને શંકા ન જાય. પરંતુ એરપોર્ટ પર આ શખ્સની શંકાસ્પદ હિલચાલ અને બોડી લેંગ્વેજ જોઈને કસ્ટમ્સના એઆઈયુ (AIU) યુનિટે તેને અટકાવ્યો હતો અને સામાનની તલાશી લેતા આ કાળો કારોબાર પકડાઈ ગયો હતો.

શું છે આ ‘હાઈડ્રોપોનિક ગાંજો’?
સામાન્ય ગાંજાની સરખામણીએ હાઈડ્રોપોનિક ગાંજો ઘણો મોંઘો અને ખતરનાક હોય છે. આ પાકને ખુલ્લા ખેતરોમાં નહીં, પરંતુ લેબોરેટરી કે બંધ રૂમમાં માત્ર પાણી અને પોષક તત્વોની મદદથી (માટી વગર) વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. તેનો નશો ખૂબ તીવ્ર હોવાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત કરોડો રૂપિયામાં બોલાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application