BREAKING NEWS

અરબી સમુદ્રમાં ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન: ગરમી-ભેજ વધશે

  • March 03, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ ભાગમાં ગુજરાતના દરિયાકાંઠાને લાગુ પડે તેવું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવા પામ્યું છે અને તેની અસરના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધી જવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ પ્રકારનું વાતાવરણ તારીખ 6 સુધી રહેશે. આ સીસ્ટમની અસરના ભાગરૂપે દીવમાં 29.6 દ્વારકામાં 27 ઓખામાં 29.8 અને વેરાવળમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. આજે લઘુતમ તાપમાન પણ 17 થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું છે અને ભેજનું પ્રમાણ 65થી 75% આસપાસ રહ્યું છે.


કોકણ અને ગોવામાં પણ આ પ્રકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધી જવાની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.

બીજી બાજુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. ગઈકાલે અમદાવાદ ડીસા ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું હતું. અમદાવાદમાં 36.5 ડીસામાં 36.9 અને ગાંધીનગરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન સોમવારે રહેવા પામ્યું હતું. રાજકોટમાં 35.8, કંડલામાં 35.4, ભુજમાં 35, વડોદરામાં 35.2 અને અમરેલીમાં 35.7 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે હતું. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં મહત્તમ તાપમાન ત્રણ થી પાંચ ડિગ્રી જેટલું વધશે અને તેના કારણે અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જશે. ગુજરાતની માફક દેશના અનેક રાજ્યોમાં પણ ગરમી વધી રહી છે નોર્થ વેસ્ટના મોટાભાગના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ ચાર થી છ ડિગ્રી વધવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન મહારાષ્ટ્રના આકોલામાં 38.5 ડિગ્રી નોંધાયું હતું.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં અને હિમાલયન રીજીયનમાં વરસાદ પડી રહ્યો છે. આવતીકાલે વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ત્યાર પછી તારીખ 6 ના રોજ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમગ્ર હિમાલયન રીજીયનને પ્રભાવિત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application