સમગ્ર રાજ્યમાં "ટોક ઓફ ધ સ્ટેટ" બનેલા રાજકોટના ચકચારી ફાયરિંગ કેસમાં બન્ને ગેંગના એક ડઝનથી પણ વધારે આરોપીઓને ઝડપી લીધા બાદ બંને ગેંગના વધુ આઠ જેટલા આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની અલગ અલગ ટીમોએ અન્ય રાજ્યોમાં ધામા નાખ્યા છે. ત્યારે ફાયરિંગમાં પેંડાગેંગને હથિયાર આપનાર આરોપી તેમજ તેને આશરો આપનાર અને કારમાં મૂકવા જનાર વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવતા આંકડો 13 પર પહોંચ્યો છે.
તા ૨૯/૧૦ના મંગળારોડ પર પ્રગતિ હોસ્પીટલ નજીક બે ગેંગ વચ્ચે ચાલતી જુની અદાવતમાં સામ-સામા ધાણીફૂટ ફાયરીંગની ઘટનામાં એડીવીજન પોલીસ મથકમાં રાયોટ, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પેંડા ગેંગના સાગરીત જીજ્ઞેશ ઉર્ફે ભયલો દીનેશ રાબા ગઢવી સહિતના ૭ શખ્સોની અને મુરઘા ગેંગના ત્રણ આરોપીની ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે ધરપકડ કરી હતી.
ઝડપાયેલા શખ્સોની ક્રાઈમ બ્રાન્ચ ના યુવા ડીસીપી જગદીશ બાંગરવા અને ટીમે યુક્તિ પ્રયુક્તિ થી આગવી ઢબે પૂછપરછ શરૂ કરતા પોપટ બની ગયેલા ભયલું ગઢવીએ ફાયરીંગમાં વાપરેલ હથીયાર સંજયરાજ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા લક્ષ્મીવાડી વાળાએ આપ્યાની કબૂલાત આપી હતી. જેથી ઉચ્ચ અધિકારીઓએ આ ગંભીર ગુનામાં કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા ની રાહબરી હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં
તે વેળાએ એએસઆઈ રાજેશભાઇ બાળા અને હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે આર્મ્સ એક્ટ, મારામારી, મીલકત સબંધી તથા દારૂના અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા આરોપી સંજયરાજ મહેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૩૨, ધંધો ટ્રાવેલ્સ, રહે. ૭/૧૬ કોર્નર, લક્ષ્મીવાડી, લક્ષ્મીવાડી મેઇન રોડ ને રેલનગરમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ગઢવી ગેંગને આશરો આપનાર તેમજ કારમાં આરોપીઓને મૂકવા જનાર બે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આમ બંને ગેંગના કુલ 13 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.
લક્ષ્મીવાડીના સંજયરાજ ઉર્ફે ચિન્ટુ ઝાલા સામે અનેક ગુના
પેંડા ગેંગના ભયલા ગઢવીએ કરેલ ફાયરંગમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર બે દિવસ પૂર્વે એસઓજીએ હથિયાર સાથે ઝડપેલા અને હાલ જેલમાં રહેલા લક્ષ્મીવાડીના સંજયરાજ ઉર્ફે ચિન્ટુ ઝાલા એ આપ્યાની કબુલાત આપી હતી જેની સામે આર્મ્સ એકટ, દારૂ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલ છે.
બંને ગેંગના ફરાર આઠ આરોપીઓને ઝડપી લેવા ટીમો થઇ દોડતી
રાજકોટ સરા જાહેર ફાયરિંગ પ્રકરણમાં જંગલેશ્વરની મુર્ગા ગેંગના સંજય ઉર્ફે સંજલો અને સમીર ઉર્ફે મુર્ગો સહિતના વધુ સાગરીતો તેમજ પેંડા ગેંગના ભઈલા ગઢવીના મળતીયા પોલીસ થી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હોય શહેર એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવી અન્ય રાજ્યમાં ધામા નાખ્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.