ઈન્ડિગોની ફ્લાઇટમાં આગ લાગતા ડીજીસીએએ વિમાનોમાં ચોક્કસ પાવર બેંક પર પ્રતિબંધ મુક્યો
ઈન્ડિગોની ફ્લાઇટમાં આગ લાગતા ડીજીસીએએ વિમાનોમાં ચોક્કસ પાવર બેંક પર પ્રતિબંધ મુક્યો
October 14, 2026 11:02 AM
ગત રવિવારે દિલ્હીથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પાવર બેંકમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે એક મોટી દુર્ઘટના ટળી હતી. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ એક મોટો નિર્ણય લીધો છે. ડીજીસીએએ હવે વિમાનમાં ચોક્કસ પાવર બેંક લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડીજીસીએએ ભારત આવતી અને જતી સ્થાનિક પેસેન્જર અને કાર્ગો ફ્લાઇટ્સમાં ચોક્કસ પાવર બેંક, મોબીલીન્સ એમકે-પીબી-04 લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.આ પાવર બેંક અને સંભવિત સલામતી જોખમોને લગતી તાજેતરની આગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારે દિલ્હીથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક મુસાફરની પાવર બેંકમાં આગ લાગતાં તેને હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.ડીજીસીએના વડા વીર વિક્રમ યાદવના આદેશમાં જણાવાયું છે કે મુસાફરો અને એરલાઇન્સ બંનેએ ખાતરી કરવી જોઈએ કે મોબીકિન્સ એમકે-પીબી-04 પાવર બેંક વિમાનમાં લઈ જવામાં ન આવે.એરલાઇન્સને આ મોડેલના પરિવહનને ઓળખવા અને અટકાવવા માટે યોગ્ય પગલાં લેવાની અને યોગ્ય સંદેશાવ્યવહાર ચેનલો દ્વારા મુસાફરોને આ સલામતી સલાહનો પ્રસાર કરવાની સલાહ આપવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં, ભારત સહિત ઘણા દેશોએ આગના જોખમને કારણે વિમાનમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધો વધારી દીધા છે. પાવર બેંકોની સંખ્યા અને બેટરી ક્ષમતા મર્યાદિત કરવા ઉપરાંત, તેમને વ્યક્તિગત ઉપકરણો ચાર્જ કરવાની અથવા વિમાનના સીટમાં રહેલા પાવર સ્ત્રોતમાંથી ચાર્જ કરવાની પણ મંજૂરી નથી. વ્યક્તિગત ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને પાવર બેંકોને લગતી આગની ઘટનાઓ વિશ્વભરમાં વધી રહી છે.