ધ્રોલમાં આવેલી જવેલર્સની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાઓની ચોરી કરનાર દાહોદની ત્રિપુટીને એલસીબીએ ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ભેદ ઉકેલ્યો છે. કુલ ૨૭.૯૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ફરીયાદી પ્રકાશભાઇ હેમતલાલ સોની રહે.-હડીયાણા તા.જોડીયા નાઓની ધ્રોલ નગરપાલીકા સામે આવેલ તુલજાભવાની ઝવેલર્સનામની દુકાનમા ગત તા.૧૪/૦૧/૨૦૨૬ ના રાત્રી ના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની પાછળની દિવાલમા બાકોરૂ પાડી,દુકાનમાથી સોના ચાંદીના દાગીના કિ.રૂ ૨૬,૯૬,૦૦૦ની ચોરીને અંજામ આપેલ ગૂનો વણશોધાયેલ હતો.
ધ્રોલમા તુલજાભવાની ઝવેલર્સની દુકાનમા થયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ એમ.વી.ભાટીયા નાઓ તથા એલ.સી.બી.સ્ટાફના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,ધ્રોલ જોડીયા વિસ્તારમા વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.
દરમ્યાન એલસીબી સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા,મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળાને સંયુકત રીતે બાતમી મળેલ કે,ધ્રોલમા તુલજાભવાની જવેલર્સમા ચોરી કરનાર મજુરોની સંડોવણી હોવાની હકિકત મળેલ અને આ જવેલર્સની દુકાનમા ચોરી કરનાર ઇસમો સોના ચાંદીના દાગીના લઇ મોટર સાયકલમા જોડીયા થી ધ્રોલ તરફ આવી રહેલ છે.જેથી ધ્રોલ ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે મજકુર ઇસમો સોના ચાંદીના દાગીના,મો.સા.તથા ચોરી કરવામા ઉપયોગ લીધેલ હથિયાર સાથે પકડી પાડયા હતા.
પકડાયેલા આરોપીઓમાં હિમતભાઇ પાંગળાભાઇ મહેડા ઉવ.૨૫ ધંધો ખેતમજુરી રહે. કેશીયા, તા.જોડીયા, શૈલેષભાઇ નવલસીંગ મહેડા ઉવ.૨૩ ધંધો ખેતમજુરી રહે. લખતર, તા.જોડીયા તથા ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા ઉવ.૨૫ ધંધો ખેત મજૂરી રહે. રંગપુર તા.પડધરી તથા ત્રણેય મુળ રહેવાસી :- મોટીમલુ ગામ તા.ધાનપુર જીલ્લો- દાહોદનો સમાવેશ થાય છે.
કબ્જે કરેલ મુદામાલમાં સોનાની વીટીઓ,બુટીઓ,ચેઇન,એરીંગ,પેન્ડલ સેટ,કાનની બાલી,ઓમકાર,નાક કાનના દાણા વિગરે સોનાના દાગીના આશરે ૧૭૫ ગ્રામ કિ.રૂ.૧૭,૫૦,૦૦૦ તથા ચાંદીના દાગીના બંગડી, સાકરા, લકકી, કંદોરા, જુડા, ચેન, વિટી, કડલી, બ્રેસલેટ, સિક્કા, ડોકીયુ,દાણા,ગાય,મુર્તિ, છતર, જે ચાંદીના દાગીના કુલ વજન-૧૧ કિલો ગ્રામ જેની કિ.રૂ ૯,૪૬,૦૦૦ કુલ ૨૬.૯૬ લાખ તથા ૪ મોબાઇલ, ૨ મોટરસાયકલ અને ચોરીમાં ઉપયોગ કરેલ સળીયો મળી કુલ ૨૭૯૬૧૦૦નો મુદામાલ રીકવર કર્યો છે અને ધ્રોલ પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુનો શોધી કાઢેલ છે.
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ.
આ કામેના આરોપીઓએ ધ્રોલ ટાઉનમા આવેલ તુલજાભવાની ઝવેલર્સની દુકાનમા રાત્રીના ચોરી કરવાના ઇરાદે દુકાન ની પાછળની દિવાલમા લોખંડ સાધનો વડે બાકોરૂ પાડી,દુકાનમા પ્રવેશ કરી,ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હતી. આરોપીઓ રેકી કરી રાત્રીના સમયે બાકો પાડી અંદર પ્રવેશ્યા હતા અને કેમેરામાં પર કોઇ કપડુ ઢાંકી દઇ અંજામ આપ્યો હતો.