BREAKING NEWS

UAE માટે મુસીબત બની ઇઝરાયેલ સાથેની ડીલ: દુબઈ અને અબુ ધાબી પર ઈરાની હુમલાનો ખતરો; જાણો શું છે વિવાદ અને ‘અબ્રાહમ કરાર’

  • May 14, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બે નવા અહેવાલોએ યુએઈની ચિંતામાં વધારો કર્યો છે. અમેરિકન અખબાર 'વોલ સ્ટ્રીટ જર્નલ' મુજબ યુદ્ધ દરમિયાન યુએઈએ ઈરાન પર હુમલા કર્યા હતા. બીજી તરફ, ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે જ્યારે ઈરાન યુએઈ પર હુમલા કરી રહ્યું હતું, ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અબુ ધાબીની મુલાકાત લીધી હતી.


ઇઝરાયેલનો દાવો અને ઈરાનની પ્રતિક્રિયા
ઇઝરાયેલનું કહેવું છે કે અબ્રાહમ કરાર હેઠળ નેતન્યાહૂએ યુએઈની મુલાકાત લીધી હતી અને યુએઈ તેમનો સાથી દેશ છે. જોકે, યુએઈએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. આ દરમિયાન ઈરાને આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેહરાન સાથે શત્રુતા રાખવી એ ખાડી દેશો માટે એક 'મૂર્ખતાપૂર્ણ જુગાર' સમાન છે અને જો સીઝફાયર તૂટશે તો ઈરાન યુએઈ પર વળતા પ્રહાર કરી શકે છે.


ઈરાનના રડાર પર દુબઈ અને અબુ ધાબી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા મુજબ ઇઝરાયેલ અને યુએઈની મિલીભગતની આશંકાના આધારે જ ઈરાને અગાઉ યુએઈના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. 'ફાઇનાન્શિયલ ટાઇમ્સ' મુજબ યુદ્ધ દરમિયાન ઈરાને યુએઈ પર 2,000 થી વધુ હુમલા કર્યા હતા, જેમાં મુખ્યત્વે દુબઈ અને અબુ ધાબીને નિશાન બનાવવામાં આવ્યા હતા. 'વોશિંગ્ટન પોસ્ટ' ના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધ પછી તેના 70 ટકા હથિયારો ફરીથી પ્રાપ્ત કરી લીધા છે, જે તેની સૈન્ય શક્તિમાં થયેલો મોટો વધારો દર્શાવે છે.


શું છે આ ‘અબ્રાહમ કરાર’?
અબ્રાહમ કરાર એ અમેરિકાની મધ્યસ્થી દ્વારા ઇઝરાયેલ અને ખાડીના આરબ દેશો વચ્ચે થયેલ એક ઐતિહાસિક રાજદ્વારી સમજૂતી છે. આ કરારનો પ્રસ્તાવ 13 ઓગસ્ટ 2020 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી મુખ્યત્વે ઇઝરાયેલ અને યુએઈ વચ્ચે થઈ હતી, જેમાં પાછળથી બહેરીન, સુદાન અને મોરોક્કો પણ જોડાયા હતા. આ કરારનું નામ અબ્રાહમિક ધર્મોના સહિયારા પૂર્વજ 'હઝરત ઇબ્રાહિમ' (અબ્રાહમ) ના નામ પરથી રાખવામાં આવ્યું છે.


યુએઈ આ સમજૂતીમાં શા માટે જોડાયું?

ક્યારેય ઇઝરાયેલને માન્યતા આપવા તૈયાર નહોતું તેવું યુએઈ આ કરારમાં જોડાવા પાછળ કેટલાક મુખ્ય વ્યૂહાત્મક કારણો હતા:


ઈરાનનો ભય: યુએઈ અને ઇઝરાયેલ બંને ઈરાનને તેમની સુરક્ષા માટે મોટો ખતરો માને છે, તેથી સંરક્ષણ અને ગુપ્તચર માહિતી શેર કરવા માટે આ કરાર જરૂરી હતો.


આર્થિક વૈવિધ્યકરણ:
યુએઈ પોતાની અર્થવ્યવસ્થાને માત્ર તેલ પર નિર્ભર રાખવા માંગતું નથી. ઇઝરાયેલ સાયબર સિક્યુરિટી, એઆઈ (AI), અને કૃષિ તકનીકમાં અગ્રેસર હોવાથી યુએઈ તેના તકનીકી હબ બનવાના સપના માટે ઇઝરાયેલ સાથે સંબંધો મજબૂત કરવા ઈચ્છતું હતું.


અમેરિકા સાથેના સંબંધો:
આ પગલાથી યુએઈને અમેરિકા સાથેના તેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થવાની આશા હતી.


​​​​​​​હાલની સ્થિતિ જોતા જે રક્ષણ મેળવવા યુએઈએ ઇઝરાયેલ સાથે હાથ મિલાવ્યા હતા, તે જ કરાર હવે તેને ઈરાન સાથે સીધા સંઘર્ષમાં લાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application