BREAKING NEWS

માવઠાના મારમાંથી જગતનો તાત ઉભો થશે!, પાક નુકસાનીનું વળતર ચૂકવાશે, કેબિનેટે સર્વેની મંજૂરી આપી

  • October 29, 2025 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદથી જગતના તાતનો પાક ધનોતપનોત થઈ ગયો છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. મગફળીના પાથરાઓ પલળી ગયા છે તો કપાસનો સોંથ વળી ગયો છે. ત્યારે આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગે સર્વેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. 


એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓએ મેદાનમાં ઊતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે. સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે.


મંત્રીઓએ અલગ અલગ જિલ્લાની મુલાકાત લઈ સમીક્ષા કરી

ભાવનગર જિલ્લાના શિહોર ખાતે કૃષિમંત્રી જિતુભાઈ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પોતે પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ખેડૂતોને પૂરતી મદદ મળી રહે એ માટે જરૂરી પગલાં ભરાશે.


અમરેલી જિલ્લામાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલાના જાબાળ અને ઘનશ્યામનગર ગામમાં ખેતરોની મુલાકાત લઈ મગફળી-કપાસ સહિતના પાકોમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાક નુકસાનીના તાત્કાલિક સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યો છે અને સરકાર ખેડૂતોની પડખે રહી મદદરૂપ બનશે.


ગીર સોમનાથ જિલ્લામાં વન અને પર્યાવરણમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજાએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બંને મંત્રી ખેતરમાં પાણી વચ્ચે ઊતરીને પાકની સ્થિતિ નિહાળી હતી અને ખેડૂતોને હૈયાધારણા આપી હતી. સાંસદ રાજેશભાઈ ચૂડાસમા તથા સ્થાનિક આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા. એ જ રીતે આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લામાં જઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News