ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકારની આર્થિક નીતિઓ અને કેન્દ્ર સરકારના વલણ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં રાજ્યનો વિકાસદર ઘટી રહ્યો છે અને દેવું વધી રહ્યું છે.
વિકાસદરમાં ગાબડું અને વધતું દેવું
શૈલેષ પરમારે ગૃહમાં સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટના આંકડા ટાંકીને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતના વિકાસદરમાં 1% નો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024-25માં જે વિકાસદર 9.2% હતો, તે વર્ષ 2025-26માં ઘટીને 8.3% થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે સરકાર દર વખતે બજેટમાં વધારાના ખર્ચની પૂરક માંગણીઓ લાવે છે, જેના કારણે રાજ્યની તિજોરી પર બોજ વધે છે અને અંતે ગુજરાતના દેવામાં જંગી વધારો થાય છે.
ધારાસભ્યએ કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં થયેલા મોટા ઘટાડા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે:વર્ષ 2023-24માં કેન્દ્ર સરકારે ગુજરાતને ₹25,557 કરોડ ફાળવ્યા હતા.વર્ષ 2024-25માં આ રકમ ઘટીને માત્ર ₹14,127 કરોડ રહી ગઈ છે.
આમ, એક જ વર્ષમાં કેન્દ્ર દ્વારા ગુજરાતને ₹11,460 કરોડ ઓછા ફાળવીને અન્યાય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આવેલા પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓનો ઉલ્લેખ કરતા પરમારે જણાવ્યું કે, સરકારે આપત્તિ સમયે ₹11,000 કરોડની જાહેરાતો કરી હતી. પરંતુ જ્યારે કેન્દ્ર પાસે મદદની વાત આવે છે ત્યારે ગુજરાતની અવગણના થાય છે. વાવાઝોડા વખતે NDRF હેઠળ ₹1,553 કરોડની સહાય માંગવામાં આવી હોવા છતાં કેન્દ્ર સરકારે હજુ સુધી આ રકમ ફાળવી નથી.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, એક તરફ વિકાસદર ઘટી રહ્યો છે અને બીજી તરફ કેન્દ્રીય હિસ્સામાં કાપ મુકાઈ રહ્યો છે, જે ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે.