રાજકોટ ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી પકડેલ 1166 ગ્રામ સોના મામલે પકડાયેલા આરોપીની ડિફોલ્ટ જામીન અરજી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ, તા. 23/ 06/ 2026ના રોજ મહમ્મદ શામવુન જે વિમાનમાં બેંગ્લોરથી હિરાસર એરપોર્ટ સુધી મુસાફરી કરતો હતો, ડીઆરઆઈ - કસ્ટમ વિભાગ દ્વારા ફ્લાઇટમાંથી ઉતરતા તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેની પાસેથી 1166 ગ્રામ, કુલ કિંમત રૂ.1,72,35,549/- નું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અબુધાબીથી બેંગ્લોર આવેલી ફ્લાઇટની સીટ નં.20-C ની નીચે સદર સોનું સંતાડવામાં આવ્યું હતું અને આ ફ્લાઇટ બેંગ્લોરથી રાજકોટ ઉપડવાની હોવાથી તેને અગાઉથી જાણ હતી કે સીટ નીચે સોનું છે, જે સોનું મેળવીને તે બેંગ્લોરથી રાજકોટની ફ્લાઇટમાં બેઠો હતો. વધુ પૂછપરછમાં સોનું ક્યાંથી લાવ્યો અને કોને આપવાનું હતું તે તેણે જણાવ્યું ન હતું. જેથી ડીઆરઆઈ દ્વારા કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયો હતો. ત્યાં તેની જામીન અરજી નામંજૂર થતા જેલ હવાલે થયો હતો, દરમિયાન કસ્ટમ એક્ટ હેઠળ દાખલ ગુનાની સજાની જોગવાઈ 10 વર્ષથી વધુ ન હોવાથી 60 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવી ફરજિયાત હતી. પરંતુ સમયમર્યાદામાં ચાર્જશીટ રજૂ ન થતા આરોપીએ તેના એડવોકેટ મારફત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડિફોલ્ટ જામીન અરજી દાખલ કરી હતી. તેમાં કોર્ટ રજિસ્ટ્રાર દ્વારા ૬૦ દિવસમાં કોઈ ચાર્જશીટ રજૂ થયાની નોંધ પણ હતી. આ અરજી ચાલવા ઉપર આવતા આરોપીના એડવોકેટ દ્વારા વિગતવાર દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરાતા કોર્ટે એક જ દિવસે ડિફોલ્ટ જામીન અરજી મંજૂર કરી હતી. આ કામમાં આરોપી તરફે એડવોકેટ સુમિત વોરા, ધારા મુળશા, કૃપાલી રામાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application