દિવાળીનો ઉત્સવ શરૂ થતાની સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર અત્યંત ઝેરી બની ગઈ છે. રવિવારે સાંજે આતિશબાજી શરૂ થતાં જ દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમાડા અને ધુમ્મસની ઘાટી ચાદર છવાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ જુદા જુદા વિસ્તારોમાં ફટાકડાના ધુમાડાની વાસ આવવાની અને વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટી જવાની ફરિયાદો કરી હતી.
સાંજ સુધીમાં દિલ્હીનો એવરેજ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 376 નોંધાયો હતો, જ્યારે સાંજે 7 વાગ્યે એક્યુઆઈ વધીને 371 પર પહોંચી ગયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે.
ગંભીર શ્રેણીમાં પહોંચી હવા
આંકડા નોંધતા 59 નિરીક્ષણ કેન્દ્રોમાંથી 19 કેન્દ્રો પર હવાઈ ગુણવત્તા સીધી 'ગંભીર' (Severe) શ્રેણીમાં પહોંચી ગઈ હતી. 7 કેન્દ્રો પર હવા ખરાબ અને બાકીના 33 કેન્દ્રો પર ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહી હતી. સૌથી ખરાબ સ્થિતિ જહાંગીરપુરીની રહી, જ્યાં એક્યુઆઈ 460 જેટલો ઊંચો નોંધાયો હતો.
આગામી દિવસોમાં કેવી રહેશે દિલ્હીની હવા?
વાયુ ગુણવત્તા પૂર્વ ચેતવણી પ્રણાલીના જણાવ્યા અનુસાર, સોમવાર એટલે કે 9 નવેમ્બરથી દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં જળવાઈ રહેવાની અને આગામી કેટલાક દિવસો સુધી આવી જ સ્થિતિ રહેવાની આશંકા છે. ફટાકડાના ધુમાડા ઉપરાંત વાહનોમાંથી નીકળતો ધુમાડો અને પડોશી રાજ્યોમાં પરાળી સળગવાની ઘટનાઓ પ્રદૂષણમાં વધારો કરી રહી છે. પ્રતિકૂળ હવામાનને કારણે પ્રદૂષકો ફેલાવવાની ગતિ પણ ખૂબ જ મંદ રહેવાનું અનુમાન છે.