બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના ઘર પર ફાયરિંગ કરવાની યોજના બનાવવાના ગંભીર આરોપમાં દિલ્હી પોલીસે બે શાર્પસૂટર્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પંજાબના જલંધરનો રહેવાસી વિકાસ ટાકુર અને તરણ તરણનો નિવાસી દીપક સિંહ સામેલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ વિદેશમાં બેઠેલા એક કુખ્યાત ગેંગસ્ટર માટે કામ કરતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલો ગેંગસ્ટર વર્ષ 1984ના શિખ રમખાણો અંગે અમિતાભ બચ્ચન દ્વારા કથિત રીતે આપવામાં આવેલા કોઈ નિવેદનને લઈને તેમને નિશાન બનાવવા માંગતો હતો. જોકે, અભિનેતા અમિતાભ બચ્ચનઅગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી.
પોલીસ પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે વિકાસ દિલ્હીના એક વેપારી પાસે ખંડણી વસૂલવા માટે ફાયરિંગ કરવા આવ્યો હતો. જ્યારે બીજો આરોપી દીપક સિંહ ગત ૩ ઓક્ટોબરના રોજ અમૃતસર ખાતે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મૈડ સંધૂની હત્યાના કેસમાં વોન્ટેડ હતો. થોડા સમય પહેલાં ધમકીઓ મળ્યા બાદ અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ ગ્લાસની સુરક્ષા વચ્ચે નજરે પડ્યા હતા, ત્યારબાદ આ ખુલાસો થવાથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. દિલ્હી પોલીસ આ મામેલ આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.