BREAKING NEWS

જન્માષ્ટમીની વધારાની રાશન સામગ્રીના વિતરણ પહેલાં દુકાનદારોને કમિશન ચૂકવવાની માંગ

  • July 27, 2026 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્ય સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બર માસમાં ઉજવાનારા જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ એક લીટર ખાદ્ય તેલ અને એક કિલો ખાંડ રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો સપ્ટેમ્બર માસની શરૂઆતમાં આવતા હોવાથી લાભાર્થીઓને સમયસર સામગ્રી મળી રહે તે માટે આ વધારાની જથ્થાબંધ ચીજવસ્તુઓનું વિતરણ ઓગસ્ટ માસ દરમિયાન જ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયને લાભાર્થીઓના હિતમાં લેવાયેલો હકારાત્મક અને સરાહનીય નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે.

જોકે, બીજી તરફ વ્યાજબી ભાવની દુકાનો સંચાલિત કરતા વેપારીઓએ આ નિર્ણયના અમલીકરણ સાથે જોડાયેલી આર્થિક મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું છે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું છે કે, વાજબી ભાવના દુકાનદારો હાલમાં ખૂબ ઓછા કમિશન પર કામગીરી કરી રહ્યા છે અને હજુ સુધી જૂન માસનું કમિશન પણ સંપૂર્ણપણે ચૂકવવામાં આવ્યું નથી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ નિયમિત રીતે ખાંડ, મીઠું, તુવેરદાળ, ચણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓ માટે સમયમર્યાદામાં નાણાં ભરવાના રહે છે. હવે જન્માષ્ટમી માટેની વધારાની તેલ અને ખાંડની સામગ્રીના નાણાં પણ નિર્ધારિત સમયમર્યાદામાં જમા કરાવવાના હોવાથી દુકાનદારો પર વધારાનો આર્થિક બોજ ઊભો થયો છે. ઘણા વેપારીઓને આ જથ્થો ઉપાડવા માટે ઉછીના અથવા વ્યાજે નાણાં લેવા પડે છે. કેટલાક કિસ્સાઓમાં ખાનગી ધિરાણદારો દ્વારા છેતરપિંડીનો પણ સામનો કરવો પડે છે, જેના કારણે નાના દુકાનદારો વધુ આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિએશને સરકાર અને ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને રજૂઆત કરી છે કે અગાઉના મહિનાનું બાકી કમિશન તાત્કાલિક ચૂકવવામાં આવે તેમજ ઓગસ્ટ માસમાં ભરવાના ચલણની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. એસોસિએશનનું માનવું છે કે સરકાર જેમ રેશનકાર્ડ ધારકોના હિત માટે સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે, તેમ વાજબી ભાવના દુકાનદારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ જરૂરી રાહત આપવામાં આવે તો વેપારીઓને નોંધપાત્ર રાહત મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application