BREAKING NEWS

યુ.જી.સી.ના નવા નિયમો રદ કરી જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ

  • August 12, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલા નવા નિયમો અને ફેરફારોને તાત્કાલિક ધોરણે પરત ખેંચવાની માંગ સાથે શ્રી રાજપૂત કરણી સેના તેમજ વિવિધ સર્વ સમાજની સંસ્થાઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંસ્થાઓએ આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર તથા સંબંધિત મંત્રાલયને ભલામણ મોકલી યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, રાજપૂત કરણી સેના દ્વારા શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતોના રક્ષણ માટે સતત અવાજ ઉઠાવવામાં આવે છે. યુજીસી દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા નવા નિયમો અને ફેરફારોના કારણે શિક્ષણ ક્ષેત્રે ગંભીર અસંતોષ અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ સમાજના તમામ વર્ગો હાલ કોઈ પણ ભેદભાવ વિના એકબીજાની સાથે રહી અભ્યાસ અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ભેદભાવ કે વિરોધ નથી, તેમ છતાં નવા કાયદા-નિયમોના કારણે સમાજમાં ખોટા વિવાદ કે વિગ્રહ ઊભા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ પર તેની વિપરીત અસર થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. તેથી વર્ગવિગ્રહ ન થાય અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થાય તે માટે તમામ સમાજના હિતમાં જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. જો માંગણી અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે અને તેની જવાબદારી સરકારની રહેશે તેવી ચેતવણી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે. આથી યુજીસી દ્વારા અમલમાં મૂકાયેલા વિવાદિત નિયમો અને જોગવાઈઓને તાત્કાલિક રદ કરી જૂની હિતકારી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર પર સૌરાષ્ટ્ર કરણી સેના, રાજપૂત કરણી સેના, બ્રહ્મદેવ સમાજ, પટેલ સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application