BREAKING NEWS

સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા દૂર કરવાની માંગ

  • August 26, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં અવારનવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જવાથી અરજદારો અને પક્ષકારોને હાલાકી ભોગવવી પડી રહી હોવાનું સામે આવ્યું છે. જે અંગેની રજૂઆત એડવોકેટ વિવેક લીંબાસીયા આવતીકાલે નોંધણી નિરીક્ષકને કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરશે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, રાજકોટની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં અવારનવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જતી હોવાથી રજિસ્ટ્રેશન સહિતની કામગીરીને અસર થાય છે. ઇન્ટરનેટ સેવા ખોરવાતાં અરજદારો તથા દસ્તાવેજી કામગીરી માટે કચેરીએ આવતા પક્ષકારોને લાંબો સમય રાહ જોવી પડે છે અને વારંવાર ધક્કા ખાવાની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને ઓનલાઈન ટોકન નોંધણી રિશેડ્યુલ ન થવાના કારણે કેટલીક વખત જમીન-મિલકતના દસ્તાવેજોમાં નોંધ અંગેની અગવડતાઓ પણ ઊભી થતી હોવાની રજૂઆતમાં જણાવાયું છે. આ પ્રકારની સમસ્યાઓના કારણે સરકારના ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના ઉદ્દેશને પણ અસર થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતકર્તાના જણાવ્યા અનુસાર, અરજદારો તથા પક્ષકારો દ્વારા કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી તેમજ રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવે છે. તેના થકી સરકારને પણ મોટી આવક પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં સરકારી કચેરીઓમાં સમયસર અને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તંત્રની બને છે. આથી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સતત અને સક્ષમ રીતે ઉપલબ્ધ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે. સાથે જ ટેક્નિકલ ખામીને કારણે કામગીરી ખોરવાય તો તેનો કાયમી ઉકેલ લાવવા તથા અરજદારોને પડતી હાલાકી દૂર કરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News