સી.બી.ડી.સી યોજના હેઠળ અનાજ વિતરણ મોકૂફ રાખવાની માગ યથાવત
સી.બી.ડી.સી યોજના હેઠળ અનાજ વિતરણ મોકૂફ રાખવાની માગ યથાવત
October 21, 2026 02:31 PM
ગુજરાત રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ શરૂ કરાયેલી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી યોજના રેશનકાર્ડ ધારકો અને વાજબી ભાવના દુકાનદારો માટે મુશ્કેલીનું કારણ બની છે. પીએનબી બેંકના સર્વર અને ઈ-એફપીએસ સિસ્ટમ વચ્ચે ગંભીર ટેકનિકલ ક્ષતિઓને કારણે અનાજ વિતરણ ખોરવાઈ ગયું છે. આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ્સ એસોસીએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ એસોસીએશનના પ્રમુખ માવજી રાખસીયા અને મહામંત્રી હિતુભા જાડેજાએ આવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા ૪ થી ૫ મહિનાથી યોજના અમલમાં હોવા છતાં પીએનબી બેંક અને એનઆઇસી વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ છે. દર મહિને સર્વર ધીમું ચાલવાને કારણે સિસ્ટમ આપમેળે લોગઆઉટ થઈ જાય છે. ટ્રાન્ઝેક્શન સફળ થયા બાદ પણ ડેશબોર્ડ પર જથ્થામાં ઘટાડો થતો નથી. ઓગસ્ટ અને સપ્ટેમ્બર બાદ ઓક્ટોબર મહિનામાં પણ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક જિલ્લાઓમાં બાજરીના અવેજી તરીકે ફાળવવાના ચોખાનું બિલ જનરેટ ન થતાં, લાભાર્થીઓને વ્યક્તિદીઠ માત્ર ૩ કિલો જથ્થાનું બિલ જ બને છે. આ યોજના હેઠળ ઓનબોર્ડિંગની કામગીરી માટે દુકાનદારોને કોઈ અલગ મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. તેમ છતાં, સરકારી લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે સ્થાનિક અધિકારીઓ દ્વારા દુકાનદારો પર ભારે દબાણ કરવામાં આવ્યું હતું. સર્વરની ખામી અને અધૂરા જથ્થાના બિલને કારણે રેશનિંગ દુકાનદારોને ગ્રાહકો સાથે રોજબરોજ ઝઘડા અને માથાકૂટનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી તેમની સામાજિક પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે. એસોસીએશને સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી પીએનબી સર્વર અને ઈ-એફપીએસ સિસ્ટમની ક્ષતિઓ સુધારીને સંપૂર્ણ જથ્થાના કુપન અને બિલ જનરેટ ન થાય, ત્યાં સુધી વાજબી ભાવના દુકાનદારો સીબીડીસી મારફતે વિતરણ કે બિલ જનરેશનની કામગીરી કરવા સક્ષમ નથી. કોઈપણ દુકાનદાર પીએનબી મરચન્ટ એપ' થી વિતરણ કરશે નહીં. ટેકનિકલ ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી આ ફરજિયાત પ્રક્રિયા તાત્કાલિક મોકૂફ રાખવા અને જૂની વ્યવસ્થા ચાલુ રાખવા અપીલ કરાઈ છે.