રાજકોટ મહાપાલિકામાં ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર આર.ડી.પરમારે ચાર્જ સંભાળતા ચોમાસાના ચાર મહિનાથી બંધ પડેલા બુલડોઝરના સેલ્ફ લાગ્યા છે. દરમિયાન આજે મવડી અને મોટા મવા વિસ્તારમાં આવેલા વિવિધ ટીપી સ્કિમોના પ્લોટમાંથી મકાનો સહિતના ૨૫ દબાણોનું ડિમોલિશન કરાયું હતું. આગામી તા.૨૦ નવેમ્બરે મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ ટીપી બ્રાન્ચને લગતા પ્રશ્નો પૂછ્યા હોય અને પ્રશ્નકાળની ચર્ચામાં તે પ્રશ્નો જ પ્રથમ ક્રમે આવ્યા હોય આજે ટીપી બ્રાન્ચે જવાબ આપવા જેટલી કામગીરી કરી નાખી હતી.
વિશેષમાં ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસરએ જાહેર કરેલી વિગતો મુજબ, મવડી ટીપી સ્કિમ નં.૨૧માં આકાશદીપ સોસાયટી નજીક આવેલા વિવિધ હેતુના રિઝર્વ પ્લોટ્સમાંથી છ મકાન, આઠ ઝૂંપડા, લાકડાનું સ્ટ્રક્ચર તોડી પ્લોટ દબાણ મુક્ત કરાયા હતા. જ્યારે મવડી ગામ તળ પાસે મવડી ટીપી સ્કીમ નં.૨૭માં સવન સર્કલ પાસેના પ્લોટમાંથી ચાર ઝૂંપડા, મવડી ટીપી સ્કીમ નં.૨૬માં કસ્તુરી કાસા એપાર્ટમેન્ટ પાસેના પ્લોટમાંથી ચાર ઝૂંપડાનું દબાણ દૂર કર્યું હતું, આ મુજબ કુલ રૂ.૧૦૮ કરોડ ૩૭ લાખની કિંમતની જમીન ખુલી કરાવી હતી.આ ઉપરાંત મવડી ગામતળની બાજુમાં તેમજ મોટા મવા સ્મશાન સામેના વોકળામાંથી છ ઝૂંપડા દૂર કરાયા હતા.
ઉપરોક્ત ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોનના ઝોનલ ટાઉન પ્લાનર ભાર્ગવ બરવાળિયા, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યો હતો.