મરીન-બર્ડ સેન્ચ્યુરી વિસ્તાર પાસે તંત્ર દ્વારા અનઅધીકૃત દબાણો તોડી પાડવાની કાર્યવાહી : પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુપ્ત ઓપરેશન કરી ૧૫ હજાર સ્કવેર ફુટ જમીન ખુલ્લી કરાઇ
જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારમાં તેમજ જિલ્લાભરમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા રાજય સરકારની સુચના બાદ આવા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે, વિભાપર નજીક સેન્ચ્યુરીવાળા મેદાન પાસે દરિયા કાંઠેના વિસ્તારમાં આવેલા સાત ધાર્મિક સ્થળ પર ગત રાત્રીના તંત્ર દ્વારા ગુપ્ત રાહે તોડી પાડવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડીમોલીશન દરમ્યાન સાત અનઅધિકૃત ધાર્મિક દબાણો દુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છે કે, ઘણા સમયથી સેન્ચ્યુરીવાળા મેદાન પાસે ધાર્મિક સ્થળ આવેલા છે, આ ધાર્મિક સ્થળને તોડી પાડવા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે, ઓપરેશનમાં ખાનગી રાહે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસ તેમજ ખાતાની ટીમ પણ સાથે જોડાઇ હતી.
કોઇપણ જાતની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે રાત્રે આ ઓપરેશન કરવામાં આવ્યું છે અને વિભાપરની આસપાસ દરિયાકાંઠે જયાં બાંધકામ હતું ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ ભારતીય દરીયાઇ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગપે જામનગર જીલ્લાના પંચ-એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લેન્ડીંગ પોઇન્ટ પાસે આવેલા અનઅધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચુરીની બાયોડાયવર્સીટી તથા મેનગૃવને જોખમપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ સાત અનઅધિકૃત ધાર્મિક દબાણો દુર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કામગીરી જામનગર જીલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં કરવામાં આવી છે. દબાણો દુર કરવાની આ કાર્યવાહી દરમ્યાન જમીન ક્ષેત્રફળ અંદાજીત ૧૫ હજાર સ્કવેર ફુટ, બાંધકામ ક્ષેત્રફળ અંદાજીત ૯ હજાર સ્કવેર ફુટ હોવાનું અને ગેરયકાદે કબ્જો આશરે દશ વર્ષનો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે.