જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ ઉભુ થયું છે, ત્યારે આજે વહેલી સવારે ૫ વાગ્યાથી ૮ વાગ્યા સુધી જામનગર શહેર અને હાઇવે ઉપર ગાઢ ધુમ્મસ જોવા મળી હતી, જેના કારણે લોકો અને વાહન ચાલકો પરેશાન થયા હતાં, હવામાં ભેજ ૧૦૦ ટકા નજીક પહોંચી ગયો હતો, ગઇકાલે પણ બપોરે ગરમી અને સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ હવે લઘુતમ તાપમાન પણ ૩૧ ડીગ્રીએ પહોંચી ગયું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૫.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી, હવામાં ભેજ ૯૮ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શરૂ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શરૂ થઇ છે પણ હકીકત છે, આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જીરૂ, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સારૂ એવું ઉત્પાદન થશે.
હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શરૂ થઇ છે, કદાચ આ મહીના બાદ ઠંડી ધીરે-ધીરે વિદાય લે તેવી શકયતા છે, ગામડાઓમાં પણ મિશ્ર વાતાવરણને કારણે તાવ અને શરદીના કેસોમાં વધારો થયો છે.