ફ્લેટના વેચાણના નામે એક્સ આર્મીમેન પાસેથી લીધેલા લાખો રૂપિયા પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટના નાના ચૂકવવાના હુકમની યનકેન પ્રકારે હુકમ મુજબ અમલવારી નહીં કરનારા યુનિવર્સિટી રોડ, વિસ્તારમાં રહેતા દાંતના ડો. દેવાંગ ચંદુભાઈ પટેલને ત્રીજા અધિક સિનિયર સિવિલ જજે સિવિલ જેલ હવાલે કરેલ છે.
આ અંગેની હકીકત મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ, જલારામ-૨, શેરી નં.૧૦માં, ડયુ એપાર્ટમેન્ટ રહેતા દેવાંગ ચંદુભાઈ પટેલે શહેરના સ્વામિનારાયણ ચોક, કૃષ્ણ નગરમાં રહેતા નિવૃત આર્મીમેન દીપક હરીભાઈ પાલા પાસેથી ૨૦૧૪-૧૫ના આઠ માસના ગાળામાં હાથઉછીના રૂા.૪૧,૨૫,૦૦૦ અલગ અલગ લખાણથી લીધા હતા. તેમાં ફલેટનું વેચાણ આપવાનું પ્રલોભન આપી રકમ ચુકવવામાં લાંબો સમય વ્યતિત કરેલ અને ત્યાર બાદ દિપકભાઈ પાલાનું લેણુ ડુબાડવા તે મિલકત ત્રાહિતને ટ્રાન્સફર કરી નાખેલ. જેથી દિપકભાઈએ પોતાની રકમની ડિમાન્ડ કરતાં દિપકભાઈને રૂા. ૩૬,૨૫,૦૦૦નો ચેક ઈસ્યુ કરી આપેલ, તે ચેક રિટર્ન થયા ના કેસમાં કોર્ટે જેલ સજા કરેલ છે, તે સજા આરોપીએ જેલમાં સજા વિતાવી હતી. પરંતુ કોર્ટના હુકમ મુજબ ચેકની રકમ ચૂકવી ન હતી, આથી વસુલાત મેળવવા રાજકોટ કોર્ટમાં સમરી દાવો દાખલ કરેલ જેમાં વ્યાજ ખર્ચ સાથે ચુકવવા સિવિલ કોર્ટે આદેશ કરેલ, પરંતુ તેવી રકમ ચુકવવા દરકાર નહી કરતાં કોર્ટમાં વસુલાત મેળવવા દરખાસ્ત દાખલ કરવામાં આવેલ જેમાં પણ સમાધાન અને અન્ય બહાનાઓ હેઠળ લાંબો સમય વ્યતિત કરેલો. પરંતુ કોર્ટના ઓર્ડર મુજબનું પેમેન્ટ આપેલ નહી, ઉલટું ઘરના કાયદાના પ્રબંધો બતાવી કોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરેલો, જેમાં કોર્ટે ડો. દેવાંગ પટેલને રૂા.૫,૦૦૦નો દંડ કરેલ અને જેલમાં જતા પહેલા ગાદલું, ઓશીકું, દવાઓ, છાપાઓ, પૌષ્ટીક આહાર (સલાડ વિગેરે)ની ડિમાન્ડ કરેલ, પરંતુ આરોપીનો આ પ્રકારનો અભિગમ અને કોર્ટનાં હુકમનો અનાદર કરી સિવિલ કોર્ટના હુકમ મુજબ ચડત થયેલ મુદ્દલ તથા વ્યાજની રકમ કુલ રૂા.૬૫,૬૯,૯૬૦ નહી ભરતા, સિવિલ કોર્ટે તા.૧૯/૧૧/૨૦૨૫ના રોજ સિવિલ જેલ હવાલે કરેલ છે. આ કામમાં લેણદાર વતી વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, નેહલ ખીલોસીયા, અવની જોબનપુત્રા એડવોકેટ દરજજે રોકાયા હતા.