સુરતમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા નાયબ મામલતદાર હિનીષા પટેલે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. હિનીષા પટેલ ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે આપઘાત ક્યાં કારણોસર કર્યો તે હજુ બહાર આવ્યું નથી. પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પતિ પણ નાયબ મામલતદાર તરીકે કાર્યરત
મળતી માહિતી મુજબ, હિનીષા પટેલના પતિ પણ મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવે છે અને તેઓ હાલ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત હતા. પતિ-પત્ની બંને એક જ વિભાગમાં જવાબદાર હોદ્દા પર હોવા છતાં, કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આ પગલું ભર્યું તે વાતથી સૌ કોઈ સ્તબ્ધ છે. હિનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાથી ત્યાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
ઓફિસે નીકળવાના સમયે જ હિનીષા પટેલે જિંદગી ટૂંકાવી
હિનીષાબેન અને તેમના પતિ કેતનભાઈ ભગુભાઈ પટેલ દરરોજ સાથે ઓલપાડ નોકરી માટે જતા હતા. કેતનભાઈએ પોલીસને જણાવ્યું કે, તેઓ તૈયાર થઈને બિલ્ડિંગની નીચે આવી ગયા હતા, પરંતુ હિનીષાબેન નીચે ન આવતા તેઓ ફરીથી ઉપર ફ્લેટ પર ગયા હતા. ત્યાં જઈને જોયું તો હિનીષાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. હિનીષા પટેલે અંગત કારણોસર કે કામના ભારણને લીધે આ પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.