યાત્રાધામ વીરપુર (જલારામ) ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા રેવન્યુ મંત્રી પ્રશાંત ટાંકની લાલિયાવાડી અને મનમાનીથી સમગ્ર ગામ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ઉપલેટાથી અપડાઉન કરતા આ બાબુને જાણે કાયદા કે ફરજનો કોઈ ડર જ ન હોય તેમ, બપોરે 11 કે 12 વાગ્યાની લોકલ ટ્રેનમાં વીરપુર પંચાયતે પધારે છે અને 4 વાગ્યે તો એક્સપ્રેસ ટ્રેન પકડીને રફુચક્કર થઈ જાય છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની આ કામચોરીથી અરજદારો પારાવાર પીડાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રી પ્રશાંત ટાંક જાણીજોઈને અરજદારોને તેમજ ખેડૂતોને પાક રજીસ્ટ્રેશનના દસ્તાવેજો તેમજ અન્ય દસ્તાવેજો,જન્મ-મરણ નોંધના દાખલાઓ અરજદારોને સમયસર ન આપીને પરેશાન કરી રહ્યા છે. લોકો કંટાળીને ફરિયાદ કરે અને તેમની અહીંથી બદલી થઈ જાય તેવા બદઇરાદા સાથે તેઓ અરજદારો અને પંચાયતના સભ્યોને રંજાડી રહ્યા હોવાનું જાણવા મળે છે. ભૂતકાળમાં પણ આ મંત્રી જ્યાં ફરજ બજાવતા હતા ત્યાં તેમના ગોટાળા અને ગેરરીતિઓની ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી હતી. તેમ છતાં, ભ્રષ્ટાચારના આ ખેલાડીને કોની રહેમદ્રષ્ટિથી છાવરવામાં આવી રહ્યો છે તે મોટો સવાલ છે.