BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.કમિશનર પાસે સ્ટેન્ડિંગ ઝૂકી: PMU સહિત 210 કરોડના વિકાસકામો મંજૂર

  • January 08, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની અગાઉ નામંજૂર કરેલી દરખાસ્ત કોઈ પણ પ્રકારના ફેરફાર વિના અક્ષરશઃ મૂળ સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ફરી મોકલી હતી અને તે દરખાસ્ત શાસકોએ સર્વાનુમતે મંજૂર કરી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં કુલ રૂ.૨૧૦ કરોડના વિકાસકામો મંજૂર કરાયા હતા.


મ્યુનિ.કમિશનરે આ અંગે કરેલી દરખાસ્તમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા તમામ મોટા પ્રોજેક્ટના કામોમાં સ્ટાફની ઘટ પડતી હોવાના કારણે વિલંબ થઇ રહ્યો હોય હાલ ડેપ્યુટી કમિશનરથી લઇ વર્ક આસિસ્ટન્ટ સુધીની કેડરની ૩૭ જગ્યા ખાલી હોય પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરી તેમાં યુનિટ હેડ તરીકે એક પ્રોજેક્ટ ડિરેક્ટર, પાંચ પ્રોજેક્ટ મેનેજર/ અર્બન મેનેજર, બે ટેકનિકલ સપોર્ટ સ્ટાફ, એક સપોર્ટ સ્ટાફ સહિત કુલ નવ ક્વોલિફાઇડ એન્જિનિયરિંગ-ટેકનિકલ એક્સપર્ટ્સની ભરતી કરવા કરવા સૂચવ્યું હતું, આ માટે કરાયેલી ટેન્ડર પ્રકિયામાં ટેકનિકલ બીડમાં કુલ પાંચ એજન્સી આવી હતી જેમાં ફાઇનાન્સિયલ બીડના અંતે ત્રણ એજન્સી રેસમાં રહી હતી. ટેકનિકલ અને ફાઈનાન્સિયલ સ્કોરની ચકાસણી કર્યાને અંતે ક્વોલિટી કમ કોસ્ટ બેઇઝ સિલેકશન કરતા


ડિલોઇટ ટચ તોહમાત્સુ ઈન્ડિયા એલએલપીને દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાનું યોગ્ય જણાતા કુલ ૭.૬૭ કરોડના ખર્ચે તેને કામ આપવા કમિશનરે દરખાસ્ત રજૂ કરી હતી જે શાસકોએ સર્વાનુમતે મંજૂર કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ક્યારેય એવું બનતું નથી કે સ્ટેન્ડિંગ કમિટી એક વખત નામંજૂર કરેલી દરખાસ્તને અક્ષરશ: મૂળ સ્વરૂપે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં હોવા છતાં મંજૂર કરે. પરંતુ આજે એવું બન્યું છે. જાણકારોના મતે છેલ્લા એક દાયકામાં ક્યારેય આવું બન્યું નથી. એકંદરે શાસકો કમિશનર પાસે ઝૂક્યા અને કમિશનરે તેમની ઇચ્છા અનુસાર દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાવી હતી.


ઓડિટ સ્ટાફને બઢતી આપવાનું મંજૂર

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં અગાઉ ઓડિટ બ્રાન્ચમાં ખાલી પડેલી સબ ઓડિટરની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ હતી જે પણ આજે મંજૂર કરી દેવાઈ હતી.


પાંચ સ્ટેન્ડિંગથી પેન્ડિંગ દરખાસ્ત મંજૂર

રણછોડનગર શેરી નં.૧૦માં આવેલ માધ્યમિક શાળાનું બિલ્ડિંગ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને ૧૦ વર્ષથી લીઝથી આપવાની દરખાસ્ત પાંચ સ્ટેન્ડિંગથી પેન્ડિંગ હતી તે આજે એકાએક મંજૂર કરાઇ હતી. અગાઉ રૂ.૨૫૦નું ભાડું પ્રતિમાસ સૂચવ્યું હતું તે વધારીને ૨૫૦૦ કરવા સાથે દરખાસ્તને બહાલી આપી હતી.


સિક્યુરિટી કોન્ટ્રાકટની દરખાસ્ત પેન્ડિંગ

રાજકોટ મહાપાલિકાના મલાઈદાર સિક્યુરિટી કોન્ટ્રાકટની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીએ વધુ એક વખત પેન્ડિંગ રાખી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ જણાવ્યું હતું કે દ્વિવાર્ષિક ખર્ચ રૂ.૪૦ કરોડ વધુ જણાતો હોય અભ્યાસ અર્થે દરખાસ્ત પેન્ડિંગ રખાઇ છે.

કણકોટ રોડથી ન્યારી ડેમ રોડને જોડતો ૨૪ મી.નો રોડ ડેવલપ કરવા સ્ટેન્ડિંગની મંજૂરી

રાજકોટ મનપાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧ માં કણકોટ રોડ અને ન્યારી ડેમ રોડને જોડતો ૨૪ મીટરનો ૧૪૧૦ રનિંગ મીટરનો આશ્રમ રોડ ડેવલપ કરવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી હતી. આ માટેનો કોન્ટ્રાક્ટ લોએસ્ટ ઓફર રજૂ કરનાર શ્રીજી દેવકોન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને રૂ.૨.૦૬ કરોડમાં કામ આપવા બહાલી અપાઇ હતી. હવે ટૂંક સમયમાં કામ શરૂ થશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application