દિપાવલીના શુભ તહેવારો શરૂ થઇ ચૂકયા છે, આજે પંચાંગ અનુસાર ધનતેરસનો શુભ દિવસ છે, પહેલાના જમાનામાં લોકો શુકન સાચવવા સોના અને ચાંદીના દાગીનાની ખરીદી કરતા હતાં, પરંતુ ભાવમાં અનહદ વધારો થતાં ખરીદી સાવ ઘટી ગઇ છે, ધનતેરસના દિવસે લોકો ઘરમાં લક્ષ્મીજી અને સોના-ચાંદીના સિકકાનું પૂજન કરે છે, મંદિરોમાં પણ શાસ્ત્રોકત વિધીથી પૂજન થાય છે, નવું વિક્રમ સવંત ૨૦૮૨ના ધંધા માટે ચોપડા ખરીદવા માટે ઉત્તમ દિવસ છે, બપોરે ૧૫:૪૨થી સ્થિર યોગનો પ્રારંભ થશે અને સાંજે ૭:૪૩ વાગ્યે ગુરૂ મહારાજ કર્ક રાશીમાં પ્રવેશ કરશે. વેપારીઓ જામનગરમાં ચોપડાની ખરીદી કરશે, આવતીકાલે રૂપ ચૌદશ હોય નૈવેદ્યનો દિવસ છે ત્યારે હનુમાનજીની પુજા કરશે અને સંઘ્યાકાળ પછી કેટલાક સ્થળોએ હવન, પુજા અને સાધના કરવામાં આવશે. સોમવારે દિવાળીનો શુભ દિવસ છે, એટલે કે રમા એકાદશીથી જામનગરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે, વળી જીએસટી ઘટતાં ઇલેકટ્રીક આઇટમ, વાહનમાં વધુ ખરીદી થઇ છે.
જામનગરની બજારોમાં સાંજે તો વધુ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે, કપડાની ખરીદી શરૂ થઇ ચૂકી છે, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતની ઇલેકટ્રીક આઇટમ પણ ધોમ વેંચાઇ રહી છે, ખાસ કરીને એક મહીનામાં જામનગરમાં ૬૦૦થી વધુ ફોરવ્હીલરનું વેંચાણ થયું હોવાની માહિતી બહાર આવી છે અને દ્વિ-ચક્રિય વાહન ખરીદવા પણ લોકો તલપાપડ બની ગયા છે, કેટલાક લોકો આજે અને દિવાળીના દિવસે વાહન છોડાવશે અને ખરીદી કરશે, ત્યારે મંગળવારનો દિવસ ધોકાનો દિવસ છે અને બુધવારે નવું વર્ષ ઉજવવામાં આવશે.

આજ સવારથી ધનનો લાભ મેળવવા લક્ષ્મીજીની પુજા કરવામાં આવે છે, દિપ દાન, યમ દીપ દાન, ધન પુજા, શ્રી યંત્રની પુજા, ચોપડાની ખરીદી માટે આજનો દિવસ ખુબ જ સારો ગણી શકાય. અમુક લોકો એવું માને છે કે, ધનતેરસનો દિવસે શુકન પુરતા સોના-ચાંદીની ખરીદી કરવી.
જામનગર ઉપરાંત તાલુકા મથકોએ પણ ખરીદીનો માહોલ જામ્યો છે, દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઇ ચૂકી છે, જામનગર શહેરમાં પણ સાંજે ૪ વાગ્યા બાદ રાત્રીના ૧૨ વાગ્યા સુધી બજારોમાં ઘરાકીનો માહોલ જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક પણ જામ થતો જોવા મળે છે, ગયા વખત કરતા ફટાકડાના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો છે, મીઠાઇના ભાવમાં પણ ૨૦ ટકાનો વધારો થઇ ચૂકયો છે, ત્યારે બજાર ગરમ બની છે, સુકામેવામાં પણ જીએસટીની કોઇ અસર થઇ નથી, કાજુ, બદામ, અખરોટ અને પીસ્તામાં ભાવ વધી ગયા છે.