ધો.12ના બે પેપર નબળા જતા ધારીની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, પરિવારમાં આક્રંદ
ધો.12ના બે પેપર નબળા જતા ધારીની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, પરિવારમાં આક્રંદ
March 03, 2026 11:14 AM
રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે આ વચ્ચે ધો.12ની વિદ્યાર્થીનીએ બે પેપર નબળા જતા નાપાસ થવાના ભયે ઝેરી ટીકડા પી આપઘાત કરી લીધાનો બનાવ અમરેલી પંથકમાં સામે આવ્યો છે. એક તરફ પરીક્ષાર્થીઓને નિર્ભય પણે પેપર આપવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા હેલ્પ લાઈન સેવા સહિતના માધ્યમથી અને ,મોટિવેશન આપવામાં આવી રહ્યું છે એમ છતાં વિદ્યાર્થીઓ નાપાસ થવાના ભયથી આત્મહત્યા કરી રહ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધારીના પુરબીયા શેરીમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાયા ભવાનભાઇ ઠુમ્મર (ઉ.વ.૧૬)ની સગીરાએ ગઈકાલે બપોરે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ દવારા પોલીસને કરવામાં આવતા ધારી પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર છાંયા બે ભાઈ એક બહેનમાં વચેટ હતી. મોટી બહેન આણંદ અને ભાઈ જૂનાગઢ અભ્યાસ કરે છે તેના પિતા ભવાનભાઈ હીરાઘસવાની મજૂરી કરે છે. ગઈકાલે પિતા ઘરે આવ્યા ત્યારે જમવાનું આપવાનું કહેતા દીકરીએ પોતાને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવતા ધારી સરકારી હોસ્પિટલમાં લઇ જવાતા બીપી લો આવ્યું હતું ત્યાંથી અમરેલી સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાંજ હદય બેસી ગયું હતું. તબીબે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. છાંયા ધારીની વીપીંજે સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી હતી અને હાલમાં પરીક્ષા ચાલુ હતી. તેના બે પેપર નબળા જતા પોતે નાપાસ થશે એ બીકથી પગલું ભરી લીધાનું પોલીસમાં જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.