↵
ધ્રોલ-જામનગર હાઇવે પર બે દિવસ પહેલા મોરબીથી જામનગર તરફ સ્વીફટ કાર લઇને કોન્ટ્રાકટર યુવાન સહિતના આવતા હતા અને હોટલે ચા પીવા ઉભા હતા ત્યારે ગાડીના હપ્તા ચડી ગયા છે અમે ફાઇનાન્સ કંપનીના સીઝર છીએ તેમ કહીને બળજબરીપુર્વક ગાડી લઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યાની ૩ ઇસમ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
મોરબીના રોહીદાસપરામાં રહેતા કોન્ટ્રાકટર રવિ ઉર્ફે કારો મનુભાઇ સારેસા (ઉ.વ.૨૦) નામના યુવાન તથા અન્ય ફરીયાદીના પિતાના નામે રહેલી સ્વીફટ ગાડી નં. જીજે૩૬એસી-૪૬૧૦ લઇને ગત તા. ૫ના બપોરના સુમારે મોરબીથી જામનગર જતા હતા એ દરમ્યાન ધ્રોલ ખાતે રાધેશ્યામ હોટલ પાસે ચા-પાણી પીવા માટે ઉભા હતા.
એ દરમ્યાન આરોપીઓ ત્યાં આવી રવિભાઇ પાસે રહેલી ગાડીના હપ્તા ચડી ગયેલ અમો ફાઇનાન્સ કંપનીના સીઝર છીએ તેમ કહીને ફરીયાદી પાસેથી ગાડી બળજબરીપુર્વક લઇ જઇ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી હતી.
આ બનાવ અંગે રવિભાઇ દ્વારા ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં લાલભા, સુખુભા તથા એક અજાણ્યો ઇસમની વિરુઘ્ધ બીએનએસ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવતા એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.