BREAKING NEWS

જન્માષ્ટમી લોકમેળામાં ડ્રો અને હરરાજી માટેની અલગ અલગ કેટેગરીઓ નક્કી કરાઈ

  • July 18, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને હવે વેગ મળ્યો છે. લોકમેળા આયોજન સમિતિ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ ફાળવવા માટે અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવનાર છે. રસ ધરાવતા વેપારીઓ અને સંસ્થાઓ માટે અરજી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે, જેની કિંમત રૂ. ૨૦૦ નક્કી કરવામાં આવી છે.

અરજી ફોર્મમાં આપેલી માહિતી મુજબ, અરજદારે પોતાનું નામ, રહેણાંક અને વ્યવસાયનું સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડ, જી.એસ.ટી. નંબર (જરૂરી હોય તો) સહિતની વિગતો આપવાની રહેશે. સાથે જ માંગવામાં આવેલી કેટેગરીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. લોકમેળા સમિતિએ અરજી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જાહેર કરી છે. તેના મુજબ, દરેક વ્યક્તિ માત્ર એક જ અરજી કરી શકશે. અરજી સાથે ડિપોઝિટની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે જ સ્વીકારવામાં આવશે અને ડી.ડી. "અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર, રાજકોટ શહેર-૧"ના નામે બનાવવાનો રહેશે. અરજદારે મેળો શરૂ થાય તે પહેલાં ઓછામાં ઓછા બે દિવસ અગાઉ સ્ટોલનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. એકવાર અરજી અથવા સ્ટોલ ફાળવણી થયા બાદ સ્ટોલ રદ કરવામાં આવે તો નિયમો મુજબ કેટલીક કેટેગરીમાં ડિપોઝિટની રકમ પરત મળશે નહીં. ઉપરાંત, સ્ટોલ કે પ્લોટ અન્ય કોઈ વ્યક્તિને સોંપવા અથવા વેચવાનો અધિકાર રહેશે નહીં. નિયમોનો ભંગ કરનાર સામે સમિતિ કાર્યવાહી કરશે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટોલનું અંતિમ સ્થાન અને ફાળવણીનો નિર્ણય સંપૂર્ણપણે લોકમેળા સમિતિનો રહેશે અને તેમાં કોઈ વાંધો કે તકરાર માન્ય ગણાશે નહીં. મેળા દરમિયાન ફક્ત મંજૂર કરેલી વસ્તુઓનું જ વેચાણ કરી શકાશે અને અન્ય કોઈપણ પ્રવૃત્તિ માટે પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. દર વર્ષે હજારો વેપારીઓ અને લાખો મુલાકાતીઓ તેમાં ઉમટતા હોય છે. આ વર્ષે પણ આયોજન સમિતિએ પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે સ્ટોલ ફાળવણી થાય તે માટે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરી છે, જેથી સમગ્ર પ્રક્રિયા સરળ અને વિવાદમુક્ત બની રહે.
-----------------------------------------

સ્ટોલ ફાળવણી માટે બે મુખ્ય વિભાગ

પ્રથમ વિભાગમાં કેટેગરી-બી (રમકડાં–૧૦૦ સ્ટોલ), કેટેગરી-સી (ખાણીપીણી નાની–૮ સ્ટોલ), કેટેગરી-જે (મધ્યમ ચકડોળ–૩) અને કેટેગરી-કે (નાના ચકડોળ–સંખ્યા ૨૪) નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા વિભાગમાં કેટેગરી-એ (ખાણીપીણી, સેવા, એક્ઝિબિશન અને વિવિધ પ્રદર્શન), કેટેગરી-બી-૧ (ખાણીપીણી), કેટેગરી-એક્સ (આઇસક્રીમ–૧૭ સ્ટોલ) અને કેટેગરી-ડી (સરકારી સંસ્થા) માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદર્શનના–૨ પ્લોટ, બી કોર્નરના–૪૦ સ્ટોલ, કેટેગરીઓમાં ઈ–૫ સ્ટોલ, એફ–૩ સ્ટોલ, જી–૨૦ સ્ટોલ, એચ–૬ સ્ટોલ રહેશે.

-----------------------------------------

ડ્રો વાળી કેટેગરી

બી–રમકડા
સી–ખાણીપીણી નાની
જે–મધ્યમ ચકરડી
કે–નાની ચકરડી
-----------------------------------------

હરરાજી વાળી કેટેગરી

એ–ખાણી પીણી, એક્સપો, એક્ઝિબિશન, વિવિધ પ્રદર્શન
બી૧ કોર્નર –ખાણીપીણી
એક્સ–આઇસક્રીમ ચોકઠાં
ડી–સરકારી સંસ્થા
-----------------------------------------
સ્ટોલધારકોના નિયમો જાહેર

લોકમેળા માટે સ્ટોલધારકોના નિયમો સામે આવ્યા છે. નિયમોના ભંગ બદલ ડિપોઝિટ જપ્ત કરવા, દંડ ફટકારવા તેમજ સ્ટોલની ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. નિયમો અનુસાર દરેક સ્ટોલ પર વેચાતી તમામ વસ્તુઓની ભાવ યાદી સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવી ફરજિયાત રહેશે. ખાણી-પીણીના સ્ટોલ માટે ફૂડ સેફ્ટી સંબંધિત જરૂરી લાયસન્સ અને પ્રમાણપત્રો રાખવાના રહેશે. તૈયાર કરવામાં આવતો ખોરાક સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત હોવો જોઈએ તેમજ રસોઈ બનાવતા કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવી જરૂરી રહેશે. વીજળીના ઉપયોગ માટે પણ વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અધિકૃત ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસેથી જ વીજ જોડાણ મેળવવાનું રહેશે અને ઓવરલોડ, અનધિકૃત વાયરિંગ અથવા જોખમી વીજ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આગ જેવી દુર્ઘટનાઓથી બચવા માટે ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે તેમજ જરૂરી અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવાના રહેશે. લોકમેળા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ, અનધિકૃત જાહેરાતો, સ્ટોલનું સબલેટિંગ અથવા મંજૂરી વગર સ્ટોલમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્ટોલધારકોએ આસપાસની સ્વચ્છતા જાળવવાની, કચરાનો યોગ્ય નિકાલ કરવાની તેમજ મુલાકાતીઓ સાથે શિસ્તપૂર્ણ વર્તન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application