વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં હોલ નંબર ૧માં ગઈકાલથી શરૂ થયેલી "રિવર્સ બાયર્સ સેલર્સ મીટ" આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં ભારતમાંથી વિવિધ ઉત્પાદકો પાસેથી વસ્તુઓ ખરીદવા માટે પ્રથમ દિવસે ૨૩ દેશોમાંથી ૫૩ જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદદારો આવ્યા છે. જેને પોતાના ઉત્પાદનો વેચવા માટે રાજ્યમાંથી ૧૮૦૦થી વધુ ઉત્પાદકો ઉમટી પડ્યા હતા. ત્યારે આ મીટ રાજકોટના સોના-ચાંદીના ધંધાર્થીઓ માટે નવી આશાનું કિરણ લઈને આવી છે. કારણ કે બે દિવસમાં રૂ.૫૦૦ કરોડના રોકાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ મીટમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફટ, ટેક્સટાઈલ, એગ્રી ફૂડ, ટાઇલ્સ સિરામિક, એન્જિનિયરિંગ, ઓટો, જેમ્સ જ્વેલરી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે. આ મીટમાં યુ.એસ.એ., કેનેડા, યુરોપ, રશિયા, ગલ્ફના દેશો, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને મધ્ય એશિયાના દેશો મળીને કુલ ૨૩ દેશોમાંથી ૫૩ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જ્યારે ૨૨ સ્થાનિક ખરીદદારો આવ્યા છે. જ્યારે રાજ્યભરમાંથી ૧૮૦૦થી વધુ વેચાણકારો એ ઉત્સાહ દાખવ્યો છે.
ખરીદદારો અને વેચાણકારો વચ્ચે અસંખ્ય બેઠકો યોજવામાં આવી છે. અને બે દિવસમાં ૧૦૦૦થી વધુ એમ.ઓ.યુ. થયા છે. આ સાથે આશરે રૂ. ૫૦૦ કરોડના નિકાસની વ્યાવસાયિક માગ પણ આવી છે.
આ અંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહના જણાવ્યા પ્રમાણે, આ રિવર્સ બાયર્સ–સેલર્સ મીટ થકી સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો સીધા વિદેશમાં વેચવા માટેનું મોટું પ્લેટફોર્મ મળ્યું છે. જેના કારણે તેઓને મોટો આર્થિક ફાયદો થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના ઈન્ડેક્સ્ટ-બી, ઉદ્યોગ કમિશનર, એમ.એસ.એમ.ઈ., રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમ.એસ.એમ.ઈ. પર્ફોર્મન્સ, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન, કેમિકલ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ગુજરાત જ્વેલરી પ્રમોશન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.